• શનિવાર, 15 માર્ચ, 2025

બંધકોને બચાવવાના પાક સેનાના દાવા ખોટા

નવી દિલ્હી, તા.13: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઝફર એક્સપ્રેસ ટ્રેનની હાઈજેકની ઘટના પર આખી દુનિયાની નજર છે. હાલત હજુ પણ તણાવપૂર્ણ છે. આ બધા વચ્ચે પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ના વિરોધાભાસી દાવાઓએ ચર્ચા અને અટકળોની આગ વધુ ફેલાવી છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેણે સફળતાપૂર્વક ઓપરેશનને અંજામ આપતા બધા બંધકોને છોડાવી લીધા છે અને 33 બીએલએ વિદ્રોહીઓને ઠાર કર્યા છે. બીજી બાજુ બીએલએનો દાવો છે કે હજુ પણ તેમના કબજામાં 154થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. દરમિયાન એવું પણ જાણવા મળે છે કે, બોલાનની પહાડીઓમાં હજી પણ 100થી વધુ શબ ક્ષતવિક્ષત પડયા છે. જેમાં મોટાભાગનાં મૃતદેહ સૈનિકોનાં છે. ચોંકાવનારી વાત એ છે કે આઈએસપીઆરનું નિવેદન આવ્યા બાદ બીએલએ તરફથી સદંતર વિરોધાભાસી નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રેનમાં કુલ 426 મુસાફરો સવાર હતા જેમાંથી 214 પાકિસ્તાની સૈન્ય કર્મીઓ હતા. હાઈજેકના પહેલા કલાકમાં 212 મુસાફરોને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ 154થી વધુ બંધકો તેમના કબજામાં છે. પાકિસ્તાને અત્યાર સુધીમાં 16 વખત બંધકોને છોડાવવાની કોશિશ કરી જેમા 63 પાકિસ્તાની જવાનો ઘાયલ થયા છે. પાકિસ્તાની રેડિયોના રિપોર્ટ મુજબ સેનાએ અત્યાર સુધીમાં 190 લોકોને બચાવ્યા છે જ્યારે 37 મુસાફર ઘાયલ થયા છે અને 57ને ક્વેટા લઈ જવાયા છે. પાકિસ્તાની રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ટ્રેનમાં 440થી વધુ મુસાફરો હતા. સેનાની કાર્યવાહી દરમિયાન અનેક મુસાફરોને બચાવવામાં આવ્યા પરંતુ કેટલાકના જીવ પણ ગયા. બલુચ વિદ્રોહીઓએ ગુરુવારે કબજો કરાયેલી જાફર એક્સપ્રેસ ટ્રેન અને તમામ બંધકોને છોડાવી લીધા હોવાના પાકિસ્તાની સેનાના દાવાને ખોટો લેખાવતાં કહ્યું હતું કે, બંધકો કબજામાં છે અને બલુચિસ્તાનના સિબિ વિસ્તારમાં હજુયે લડાઈ જારી છે. પાકિસ્તાન પરાજયને છૂપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, તેવું બલુચ લિબરેશન આર્મીએ કહ્યું હતું. દરમ્યાન, પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ બલુચિસ્તાન પહોંચી ગયા હતા.દુશ્મનને ભારે નુકસાન અને સૈન્યક્ષતિ થઈ રહી છે. પાકની સેના યુદ્ધના મેદાનમાં જીતી શકતી નથી અને પોતાના બંધક કર્મીઓને બચાવવામાં પણ સફળ થઈ રહી નથી, તેવું બલુચ આર્મીએ કહ્યું હતું. પાકની પોલ ખોલતો પ્રશ્ન ઉઠાવતાં બલુચ આર્મીએ પૂછ્યું હતું કે, હકીકતમાં બંધકોને બચાવી, છોડાવી લીધા છે, તો પાકની સેના બંધકોની તસવીર કેમ જારી નથી કરતી? બલુચ આર્મીએ જણાવ્યું હતું કે, હકીકતમાં અમે યુદ્ધની નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ બુઝુર્ગો, બાળકો, મહિલાઓને સામેથી છોડયા હતા. પાકિસ્તાન સરકાર તેને પોતાની સિદ્ધિ, સફળતા બતાવી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, પાકની સેના, સરકારના દાવા ખોટા છે. બીજી તરફ, બલુચ વિદ્રોહીઓને અફઘાનમાં મોજૂદ તેમના સૂત્રધારો તરફથી નિર્દેશ મળી રહ્યા છે તેવા પાકના દાવાને અફઘાન સરકારે નકારી દીધા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd