• શુક્રવાર, 14 માર્ચ, 2025

પર્યાવરણનાં જતન માટે સૌ સંકલ્પબદ્ધ બને

ગિરીશ એલ. જોષી દ્વારા : નારાયણ સરોવર, તા. 17: દેશના પશ્ચિમ છેવાડે આવેલા પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર-કોટેશ્વર ખાતે આયોજિત માનસ રામકથાના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુએ પર્યાવરણના જતન માટે સૌને આગળ આવવા વ્યાસપીઠ પરથી આહ્વાન કરી પર્યાવરણ જાળવણીનાં કાર્યને ભગવાનની ભક્તિ કરવાસમું પ્રભાવશાળી કામ ગણાવ્યું હતું. વિશાળ સંખ્યામાં શ્રોતાગણની ઉપસ્થિતિમાં મોરારિબાપુએ માનવ શરીરમાં રહેલા પંચ કોષની સમજ આપી હતી. દરેક શ્રોતાગણ વૃક્ષ વાવે અને બીજાને વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા આપે તેવું તેમણે આહ્વાન પણ કર્યું હતું. રામકથાના મનોરથી પ્રવીણભાઇ તન્નાને ના. સરોવર તીર્થે વૃક્ષોનું વાવેતર કરવા ઇજન કર્યું હતું. બાપુએ તલગાજરડામાં પાંચ હજાર વૃક્ષનું રોપણ થઇ ચૂક્યું છે, હજી બીજા પાંચ હજાર વૃક્ષનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેવું વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું. આખા દેશમાં મોટાપાયે વૃક્ષારોપણ થાય તેવો ભાવ બાપુએ વ્યક્ત કર્યો હતો. વૃક્ષારોપણ કરતાં સદ્ભાવના ટ્રસ્ટની કામગીરી તેમણે બિરદાવી હતી. રામાયણની ચોપાઇ, રામધૂનના સંગીતમય માહોલે શ્રોતાગણમાં અનેરો આધ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. કથાનું રસપાન કરાવતાં બાપુએ વચ્ચે વચ્ચે હાસ્યરસ પણ શ્રોતાગણને પીરસ્યો હતો. સત્ય-પ્રેમ-કરુણાના ભાવ પીરસતી આ કથામાં શ્રોતાઓ ધર્મરસમાં તરબોળ થયા હતા. અખિલ કચ્છ વડવાળા દેવ રબારી સમાજ સેવા ટ્રસ્ટ, ના. સરોવર તથા ગરડા પંથક, રબારી સમાજ લખપત દ્વારા પ્રમુખ ભોપા કાનાભાઇ રબારી (ભોપાવાંઢ), મંત્રી વંકાભાઇ રબારી (સાયણ), ઉ.પ્ર. થાવરભાઇ રબારી, ટ્રસ્ટી સોનાભાઇ રબારી, નથુભાઇ રબારી (જમનવારા), સામાજિક આગેવાનોમાં દેવશીભાઇ (સાયણ), ભોપા ભજુભાઇ, હીરાભાઇ, મેઘાભાઇ સહિતના રબારી અગ્રણીઓએ મોરારિબાપુનું સન્માન કર્યું હતું. પ્રયાગરાજ તીર્થમાં સ્નાનના માધ્યમના વર્ણન વખતે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર માટે સરકારે 105 કરોડ રૂપિયા તીર્થધામના વિકાસ માટે જે મંજૂર કર્યા એ બદલ સરકારને અભિનંદન આપ્યા હતા અને વિશેષમાં જણાવ્યું હતું કે, આ તીર્થ પણ શાત્રો પ્રમાણિત છે. સરોવરમાં સ્નાન કરવું, મંદિર દર્શન કરવા વિ. ઉત્તમ છે. તીર્થધામ નારાયણ સરોવર એ માનસરોવર સહિત અન્ય સરોવરો બિંદુ સરોવર, પંપા સરોવર બરોબર જ છે. આમ, તીર્થોની જે પરંપરા છે તેમાંની પ્રવાહી પરંપરા, પરોપકારી પરંપરા, પવિત્ર પરંપરાઓ છે જેને ધ્યાનમાં રાખીને નારાયણ સરોવર મુખ્ય મંદિરનો મૂળ પરંપરા સાથે વિકાસ થવો જોઇએ તેવી લાગણી દર્શાવી હતી. કોટેશ્વર માનસ રામકથાના સુવાયજ્ઞમાં લખપત તાલુકા ક્ષત્રિય, બ્રહ્મસમાજ, રબારી સમાજ, લોહાણા સમાજના યુવાનો રસોડા વિભાગ, મંડપ વિભાગ સહિતનાં આયોજનમાં સહભાગી બની શ્રમદાન કરી રહ્યા છે. મનોરથી પ્રવીણભાઇ તન્ના પરિવાર સાથે બાપુના સેવકોમાં 45 જેટલા એન.આર.આઇ. વિદેશોથી કથા શ્રવણનો લાભ લેવા ના. સરોવર તીર્થે આવ્યા છે. આ કથામાં યોગેશભાઇ ગજ્જર, પ્રવીણભાઇ સચદે, ના. સરોવરના પૂર્વ સરપંચ સુરૂભા જાડેજા, વીનેશરામ સાધુ, ધનજીભાઇ કેસરિયા, વેલજીભાઇ આહીર (કિસાન લોજ), લક્ષ્મણસિંહ વાઘેલા, જીતુભા સોઢા, દીપકભાઇ રેલોન, ભાવેશભાઇ આઇયા, મોહનભાઇ ધારશી, કનૈયાલાલ સચદે સહિતના સેવકગણ વ્યવસ્થામાં સહભાગી બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd