હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 17 : રાજયના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ હવે પાઈપલાઈન વાટે ગેસ વિતરણ કરવાનું શરૂ કરાયું છે. કચ્છમાં હજુ સિમીત વિસ્તારમાં જ પાઈપલાઈન વાટે ગેસ વિતરણ કરવામાં આવી રહયું છે. પાઈપલાઈન મારફત ગેસ વિતરણ શરૂ થતાં તેની સીધી અસર જિલ્લામાં એલપીજી જોડાણ ધારકો પર પડી છે. એક અંદાજ અનુસાર આ કારણે ભુજ અને માધાપરમાં દસેક હજાર જેટલા એલપીજી જોડાણ ધારકો ઘટયા છે. આમ છતાં રાજયના અન્ય જિલ્લાની તુલનાએ કચ્છમાં આ કારણે ખુબ વ્યાપક અસર થઈ હોય તેવું જોવા મળ્યું નથી. ગુજરાત ગેસ દ્વારા રાજયના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ પ્રારંભિક તબકકે ભુજ શહેર, માધાપર અને મુન્દ્રા વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક ગોઠવી ગેસ પ્રવાહ પહોંચાડવાનું શરૂ કરાયું છે. વિશેષ રીતે ભુજ અને માધાપરમાં તો અનેક એલપીજી જોડાણ ધારકો પાઈપ લાઈન ગેસ તરફ વળ્યા છે. એના કારણે જિલ્લા મથક ભુજ ઉપરાંત માધાપરમાં એલપીજી જોડાણધારકોમાં દસ હજાર જેટલો ઘટાડો નોંધાયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. કચ્છમાં ત્રણ ઓઈલ માર્કેટીંગ કંપની દ્વારા લિકવીફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે રાંધણગેસના બાટલા વિતરીત કરવામાં આવે છે. જિલ્લામાં હાલ સાડા પાંચ લાખ જેટલા એલપીજી ગેસ ડાણધારકો નોંધાયેલા છે. તેમાંથી પોણા બે લાખ જેટલા ઉજજવલા ગેસ યોજના ધારકો છે. હાલ જો કચ્છના અમુક વિસ્તારમાં જ પાઈપલાઈન મારફત ગેસ વિતરણ શરુ થયું છે. એટલે વર્તમાન સ્થિતિએ તો ભુજ અને માધાપરમાં દસેક હજાર એલપીજી જોડાણધારકો ઘટયા છે. પણ જયારે જયારે પાઈપલાઈન ગેસ જોડાણનું નેટવર્ક વિસ્તરશે ત્યારે આ આંકડો ઉંચકાતો જશે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહયા છે. પુરવઠા વિભાગમાંથી મળેલી વિગતો મુજબ ઉજજવલા યોજના ધારકોને જે મળવાપાત્ર લાભો છે તે યોગ્ય રીતે મળી રહયા છે કે કેમ તેનું અમે મોનીટરીંગ કરી શકાય છે પણ બાકીની સ્થિતિ અંગે અમે મોટાભાગે અજાણ રહેતા હોઈએ છીએ. આ ક્ષેત્રના જાણકારોએ કહ્યું કે લિકવીફાઈડ પેટ્રોલિયમ ગેસના ભાવ સરકાર દ્વારા નકકી થતા હોય છે જયારે પાઈપલાઈન મારફત ગેસ વિતરણનું સંચાલન ખાનગી રાહે થતું હોવાથી ભાવમાં અસામાન્ય ઉતાર ચડાવની સ્થિતી જોવા મળતી હોય છે.- 1.66 લાખ ઘરને પાઈપલાઈન વાટે ગેસ પહોંચાડવાનું આયોજન : ગુજરાત ગેસ દ્વારા કચ્છમાં પાઈપલાઈન વાટે ગેસ વિતરણનું નેટવર્ક ગોઠવાઈ રહયું છે. ભુજ, માધાપર અને મુન્દ્રાની સાથે નજીકના સમયમાં કચ્છના વધુ વિસ્તારને આવરી લઈ 1.66 લાખ ઘરોને પાઈપલાઈન વાટે ગેસ જોડાણ સાથે આવરી લેવાનું આયોજન ઘડી કઢાયું છે.