ભુજ, તા. 8 : મસ્કત ગુજરાતી સમાજ, ધ ગુજરાતી વિંગ ઓફ ઈન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનની
સ્થાપનાનાં 50મા વર્ષની
ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે 13-14 ફેબ્રુઆરીના
કરાશે. આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ
સંઘવી ઉપરાંત ભારત, મસ્કત તથા
અન્ય વિદેશી નામાંકિત મહેમાનો ઉપસ્થિત રહેશે. જન્મભૂમિ અખબાર જૂથ-કચ્છમિત્ર ઉજવણીનાં
ભવ્ય આયોજનમાં સહભાગીની ભૂમિકામાં છે. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ચંદ્રકાંત
ચોથાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા 50મા વર્ષની સ્થાપનાની ઉજવણી કરવા જઈ રહી
છે, ત્યારે મસ્કતમાં વસતા ગુજરાતીઓમાં ઉત્સાહ જણાઈ
રહ્યો છે અને કાર્યક્રમોને ભવ્યાતિભવ્ય બનાવવા સૌ સભ્યો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી
રહ્યા છે. શ્રી ચોથાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સંસ્થાની સુવર્ણ
જયંતીના અવસરે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કચ્છના સાંસદ વિનોદ
ચાવડા, માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી-ઉદ્યોગપતિ હાર્દિકભાઈ મામણિયા,
ટ્રસ્ટી-ઉદ્યોગપતિ સંજયભાઈ એન્કરવાલા, જન્મભૂમિ
જૂથના મુખ્ય તંત્રી-સીઈઓ કુન્દન વ્યાસ, કચ્છમિત્રના તંત્રી દીપક
માંકડ, ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજ,
ભારતના રાજદૂત અમિત નારંગ, ભૂતપૂર્વ રાજદૂત ઈન્દ્રમણિ
પાંડે, મસ્કતના શેખ અનિલ ખીમજી, ઈન્ડિયન
સોશિયલ ક્લબના ચેરમેન રાજેન્દ્ર બાબુ, વાઈસ ચેરમેન સી.એમ. સરદાર,
એચસીજી આસ્થા કેન્સર સેન્ટર-અમદાવાદના ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર ટોપરાણી,
એચસીજી ગ્રુપ ઓફ હોસ્પિટલ-ગુજરાત અને રાજસ્થાનના રિજિયોનલ ડાયરેક્ટર
ડો. ભરત ગઢવી, કુરજીભાઈ કેરાઈ (યુ.કે.), શૈલેશ ઠાકર, તુષાર પટેલ ઉપરાંત મસ્કતના સ્થાનિક મહાનુભાવો
અને વિદેશી મહેમાનો આ પ્રસંગે હાજર રહેશે.
માંડવીના પ્રખ્યાત જોશી દાબેલીવાળા દીપક જોશી પોતાની દાબેલીનો ટેસ્ટ કરાવશે.
મસ્કત ખાતે તા. 7/2ના કોમેડી
નાટક `કુંવારા બાપ' મુંબઈના કલાકારો દ્વારા ભજવાયું હતું. તા.8/2ના સેન્ટ્રલ બ્લડબેંક ઓફ ઓમાન, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ તરફથી રક્તદાન કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. તા. 13/2ના મહેમાનો સાથે સ્નેહમિલન યોજાશે. તા. 14/2ના વેલેન્ટાઈનના દિવસે કવિ
અંકિત ત્રિવેદીની સાથે જાણીતાં-મનગમતાં ગુજરાતી ગીતોની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું
છે, જેમાં ગાયકો આનલ વસાવડા, નીરજ પાઠક, દેવર્ષિ સોનેજી પોતાના કંઠનાં કામણ પાથરશે.