ભુજ તા. 3 : ભુજની
ધરા પર ગુજરાતનો પ્રથમ અને જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘનો 161મો
મર્યાદા મહોત્સવ ભવ્ય રીતે ઊજવાઈ રહ્યો છે,
શહેરના ઐતિહાસિક સ્મૃતિવનના પ્રાંગણમાં બનેલા જય મર્યાદા સમવસરણમાં
આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. સોમવારે મર્યાદા મહોત્સવનો બીજો દિવસ હતો. નિયત
સમય અનુસાર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અનુશાસ્તા, ભગવાન
મહાવીરના પ્રતિનિધિ, અધ્યાત્મવેદતા આચાર્ય મહાશ્રમણજીએ
મહામંત્રોચ્ચાર સાથે બીજા દિવસનો મંગલ પ્રારંભ કર્યો હતો. આજના કાર્યક્રમમાં સૌથી
પહેલાં મુમુક્ષુ બહેનોએ પ્રસ્તુતિ આપી હતી અને ત્યારબાદ મુખ્યમુનિ મહાવીરકુમારજીએ
ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ તેરાપંથ ધર્મસંઘના વર્તમાન
અનુશાસ્તા, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ મર્યાદા
મહોત્સવના બીજા દિવસે અમૃતમયી વાણી દ્વારા કહ્યું કે, પાંચ
શબ્દો છે - આજ્ઞા, મર્યાદા, આચાર્ય,
ગણ અને ધર્મ. આ પાંચ શબ્દોમાં મર્યાદા મહોત્સવ, સાધુતા અને સંઘટનની સફળતા સમાયેલી છે. તેમણે વધુમાં કહ્યું કે, `હું
આજ્ઞાની સમ્યક્ આરાધના કરીશ.'
આજ્ઞા પ્રત્યે સમર્પણભાવ સફળતાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે, જેની આજ્ઞાથી આજ્ઞાપાલકનું હિત થઈ શકે, તેની
આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જૈન આગમો અને શાત્રોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
તેરાપંથ ધર્મસંઘમાં 32 આગમો માન્ય છે. આજે તીર્થંકર
ઉપસ્થિત નથી, તો આચાર્ય તેમના પ્રતિનિધિ રૂપે હોય છે. તેથી, આચાર્યની
આજ્ઞાને મહત્ત્વ આપવું જોઈએ. તેમણે આગળ ઉમેર્યું કે, `આચાર્યની
કઠોર દૃષ્ટિને પણ સહન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સહનશક્તિ હીરા જેવી કઠોર હોવી
જોઈએ, કાચ
જેવી નબળી નહીં.' ગુરુની કઠોર વાણી સહન કરનાર વ્યક્તિ ઉન્નતિ
પામે છે. તેરાપંથ ધર્મસંઘમાં `આચાર્યની આજ્ઞા ન તોડવાનો ત્યાગ' મહત્ત્વનો માનવામાં આવે
છે. આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું કે `આચાર્યશ્રી તુલસીએ મુનિ નથમલજી
(આચાર્યશ્રી મહાપ્રજ્ઞ)ને તેમના યુવાચાર્ય બનાવ્યા હતા. આજે મહાસુદ છઠ્ઠ આચાર્ય
મહાપ્રજ્ઞજીનો આચાર્ય પદારોહણ દિવસ છે. આ વિશેષ દિવસની યાદ અપાવતાં તેમણે જણાવ્યું
હતું કે, આચાર્ય
તુલસીએ દિલ્હીમાં તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા હતા. આચાર્યશ્રીએ પોતાના મંગલ
આશીર્વાદ સાથે મર્યાદા મહોત્સવના બીજા દિવસના કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ
પ્રસંગે તેરાપંથ સમાજ ભુજ-કચ્છ દ્વારા સમૂહગાન કરાયું હતું. ભુજ સંલગ્ન મુનિ અનંતકુમારજીએ શ્રદ્ધાભિવ્યક્તિ
આપી હતી અને ભુજ જ્ઞાનશાળા દ્વારા ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આવતા
મર્યાદા મહોત્સવની જાહેરાત કરવામાં આવી કે, વર્ષ 2026માં
મર્યાદા મહોત્સવ નાની ખાટૂમાં યોજવામાં આવશે. આચાર્યશ્રીએ આ માટે આશીર્વાદ આપ્યા
હતા. આજે મર્યાદા મહોત્સવના બીજા દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી જ્યાં
એક નવા ધર્મગૌરવના પ્રકરણની શરૂઆત થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ, સાધ્વી, સમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ-બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા
મહોત્સવ વ્યવસ્થા સમિતિના કીર્તિભાઈના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો
વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા
સમિતિ-ભુજના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. આજે કચ્છમિત્રની
ટીમે આચાર્યશ્રી મહાશ્રમણજીના દર્શનાર્થે મુલાકાત લીધી હતી, ગુરુદેવે
આશીર્વાદ પ્રદાન કર્યા હતા અને સંઘ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.