ભુજ, તા. 4 : કચ્છની ઊગતી ખેલ પ્રતિભા માટે સ્થાનિક વિશ્વકપ
સમાન કચ્છમિત્ર એન્કરવાલા ક્રિકેટ કપને લઈ જિલ્લાની શાળાઓમાં આગોતરો ઉત્સાહ જોવા મળી
રહ્યો છે. હાલ કચ્છમિત્ર એન્કર કપ માટે નોંધણી સહિતની પ્રક્રિયાનો ધમધમાટ અંતિમ તબક્કે
પહોંચ્યો છે. થોડા સમયમાં ડ્રોની કામગીરી હાથ ધરી મેચની તારીખ અને સ્થળ સહિતની જાહેરાત
કરવામાં આવશે, તો આ સ્પર્ધાના આયોજન માટે દાતાઓ તરફથી ઈનામવર્ષા અત્યારથી જ શરૂ થઈ
ગઈ છે. કચ્છના અગ્રણી અખબાર કચ્છમિત્ર દ્વારા આયોજિત અને કચ્છ ક્રિકેટ એસોસીએશન દ્વારા
સંચાલિત કચ્છમિત્ર એન્કરવાલા કપનો કચ્છની માધ્યમિક
શાળાના છાત્રોમાં ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે
અને ક્રિકેટ ક્ષેત્રે કચ્છમાં તેજસ્વી ખેલાડીઓ તૈયાર થાય તેવા શુભ હેતુ સાથે ઘણા વર્ષોથી
કચ્છમિત્ર અને કચ્છ ક્રિકેટ એસોસીએશન દ્વારા કચ્છમિત્ર-એન્કર કપ અન્ડર 17નું આયોજન
કરવામાં આવે છે. આ વર્ષે કચ્છમિત્ર એન્કરવાલા કપના આયોજનની જાહેરાત સાથે જ કચ્છના ક્રિકેટરસિકોની
આતુરતાનો અંત આવ્યો હતો. અત્યાર સુધી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓ દ્વારા અનેરો
ઉત્સાહ દેખાડવામાં આવ્યો છે. કચ્છમિત્ર એન્કર કપ માટે દાતાઓ તરફથી ઈનામોની જાહેરાત
થવાનું શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં સિઝન બોલના દાતા માધાપર નવાવાસ ગ્રામ
પંચાયતના માજી સરપંચ અરજણ દેવજી ભુડિયા રહ્યા છે. મેન ઓફ ધી મેચ અને સેકન્ડ મેન ઓફ
ધી મેચના ટી-શર્ટના દાતા સમાજરત્ન વિનોદભાઈ સોલંકી રહ્યા છે. મારૂ કંસારા સોની સમાજના
પ્રમુખ હિતેશભાઈ પ્રભુદાસ ગુજરાતી તરફથી 11,000 રૂપિયાનો આર્થિક સહયોગ મળ્યો છે.