• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

સાવધાન બેન્ક કેવાયસી માટે મેસેજ નથી મોકલતી

ભુજ, તા. 20 : શહેરની બેન્ક ઓફ ઇન્ડિયાના અસંખ્ય ખાતાંધારકોને કે.વાય.સી. અંગેના મેસેજ બેન્કનાં નામથી આવતાં તે અંગે પૂછપરછનો મારો શરૂ થતાં બેન્ક ચોંકી ઊઠી હતી. ડિજિટલ ઠગબાજોએ મેસેજ મોકલાવતાં બે ખાતાધારક તેની જાળમાં ફસાયાનું પણ સામે આવ્યું છે. શહેરની હોસ્પિટલ રોડ સ્થિત બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાના ચીફ મેનેજર રાજમન પ્રજાપતિ અને કલાર્ક એઝાઝ તારવાનીએ આ ચોંકાવનારા બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે બેન્કના અસંખ્ય ખાતાધારકોને બેન્કનાં નામથી કે.વાય.સી. વિગતો અંગેના મેસેજ ગયા હતા. આથી અનેક ફોન મારફત તો અનેક રૂબરૂ શાખામાં ધસી આવતાં અમારા પણ ભવાં તંગ થયાં હતાં. આજે સવારથી અનેક હાંફળાં-ફાંફળાં થઇ બેન્કમાં ધસી આવ્યા હતા. એક ગરીબ શ્રમિક ખાતાધારકે બેન્કને રડમસ સ્થિતિમાં કહ્યું કે, સાહેબ મારા ખાતામાંથી 14 હજાર ઉપડયા છે. તો અન્ય એકનાં?ખાતામાંથી આ જ રીતે 59 હજાર ઊપડયાનીય વિગતો બેન્ક સુધી પહોંચી છે. સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઇન તથા રૂબરૂ ફરિયાદની તજવીજ અસરગ્રસ્તોએ તુરત આદરી હતી. અત્રે ખાસ નોંધનીય છે કે, આ રીતે આવતા મેસેજથી દરેકને સાવધાન રહેવાની ખાસ જરૂરી છે. કોઇપણ બેન્ક આ રીતે મેસેજ મોકલી ઓનલાઇન વિગતો ભરાવતી જ નથી. ખાતાધારકને રૂબરૂ બેન્કની શાખામાં બોલાવી આધારો લઇ તેની સામે જ બેન્કમાં વિગતો ભરે છે. આથી આવા મેસેજથી સતર્ક રહેવા બેન્ક સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે. આ ઉપરાંત પણ આવા ડિજિટલ ઠગબાજો સમયે-સમયે નીતનવા કીમિયા અજમાવી સામાન્ય લોકોને તેની જાળમાં ફસાવતા હોવાના કિસ્સા છાસવારે સામે આવતા હોય છે. ડિજિટલ એરેસ્ટમાં લોકોને ડરાવી ઓનલાઇન નાણાં પડાવાતા હોવાના કિસ્સાઓ વધ્યા છે. જેમાં લોકોને કોઇ રીતે ગુનામાં ફસાયા હોવાની ખોટી એફઆઇઆર અને આ બાદ વીડિયો કોલ કરીને પોલીસ અધિકારી બની ઠગ જ પૂછપરછ કરી ડિજિટલ એરેસ્ટ કર્યાનો ભય દર્શાવી ઓનલાઇન નાણાં ખંખેરી લે છે. આમ `સાવચેતી જ સલામતી'ના સૂત્રને ખાસ ધ્યાનમાં રાખીને જ આવા ડિજિટલ ઠગબાજોથી બચી શકાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang