પ્રફુલ ગજરા દ્વારા : ભુજ, તા.
20 : રાજ્યસ્તરેથી લેવાયેલા નિર્ણય અને અમલવારીના આદેશો બાદ સાગરકાંઠાથી રણપ્રદેશ સુધી
દબાણો હટાવવા માટેની મેગા કહી શકાય તેવી કામગીરી હાથ ધરાઇ ચૂકી છે, તો હાલે પણ આ કામગીરી
અવિરત છે. આ પ્રકારના ધમધમાટ વચ્ચે સામાન્ય લોકો માટે બારમાસી બની ચૂકેલા નાનાં-મોટાં
દબાણો પરત્વે કોઇનું જવું જોઇએ તેવું કે તેટલું ધ્યાન જતું ન હોવાથી આ માટે કયું દબાણ
કામ કરતું હશે, તેવા સવાલો ઊભા થઇ રહ્યા છે. ઇંટ, પથ્થર અને સિમેન્ટ વડે ચણતર સાથેના
મંજૂરી વગરનાં ગેરકાયદે બાંધકામ દબાણની વ્યાખ્યામાં આવે છે અને આવા સ્થાનો સમયાંતરે
ઝપટે ચડતા આવતા રહે છે, પરંતુ લોકોને રોજબરોજની ચહલપહલ સાથેના જીવનમાં સીધી રીતે નડતરરૂપ
બની રહેલાં દબાણો વિશે પણ હવે ગંભીરતા સાથે વિચારવાનો સમય આવી ચૂક્યો છે. પહેલાં હાથલારી,
પછી કેબીન અને અંતે માથે છાપરાં સાથેનો આડિંગો જમાવી ચૂકવાની દબાણની પ્રવૃત્તિ અત્યારે
શહેરો ઉપરાંત મહત્ત્વનાં અને સમૃદ્ધ ગામોને પણ પોતાનાં ઘેરામાં લઇ ચૂકી છે. આ સ્થિતિમાં
મહત્ત્વની અને મોકાની જગ્યા ગોતી જડે તેમ નથી, તો આવી જગ્યાઓના બોલાતા ભાવ પણ આવા સ્થાનોનું
મહત્ત્વ કેટલી હદે પહોંચી ચૂક્યું છે, તેનો અહેસાસ કરાવનારી બની રહી છે. સમગ્ર ચિત્ર
જોતાં નોંધપાત્ર અને ગંભીર બાબત એ સપાટી ઉપર આવી રહી છે કે, વાર-તહેવારે ઝુંબેશ હાથ
ધરીને હજારો મીટરમાં દબાણો હટાવવાની `ક્રેડિટ' લેનારાને આવા
બારમાસી બની ચૂકેલાં દબાણો કેમ નહીં દેખાતાં હોય ? રોજિંદા જીવનની ઘટમાળ વચ્ચે આ સમગ્ર
માહોલને નિહાળી રહેલો સામાન્ય વર્ગ દબાતા સૂરે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે
કે, એક સમયે હંગામીના સ્વરૂપમાં જન્મ લેનારાં આ પ્રકારનાં દબાણો હવે પૂર્ણકાલીન સ્વરૂપમાં
આવી ચૂક્યાં છે. સ્મશાન હોય કે મંદિર યા તો મસ્જિદ, અવરજવરવાળા કોઇ માર્ગ કે ગલી તેમાંથી
બાકાત નથી, તો આ વ્યાપ એટલી હદે વધી ચૂક્યો છે કે, ખુદ વિવિધ સરકારી કચેરીઓની બહાર
કે આસપાસ પણ આવું જ જોવા મળી રહ્યું છે. આ પ્રકારના માહોલની અનુભૂતિ કરાવતા આ સૂત્રો
જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, ટ્રાફિક પોલીસ ચોકી અને જનરલ
હોસ્પિટલ સહિતના સ્થળો આસપાસનું ઉદાહરણ આપી રહ્યા છે. બીજીબાજુ આ પ્રકારની પ્રવૃત્તિને લઇને લોકોને હાલવા-
ચાલવા માટે બનાવાયેલી ફૂટપાથોનું અસ્તિત્વ લગભગ ગાયબ થવાના આરે પહોંચ્યું છે. જાહેર
માર્ગો કે બજારોમાં ફૂટપાથ નાના-મોટા વ્યવસાયીઓના સકંજામાં આવી જવાના લીધે સામાન્ય
લોકો હવે ફૂટપાથ ઉપર નહીં પણ ફૂટપાથની આસપાસ ચાલી રહ્યા હોવાનો સિનારિયો બાકાયદા જોવા
મળી રહ્યો છે. દરમ્યાન, ભુજ અને ગાંધીધામ જેવાં મોટાં શહેરો ઉપરાંત અંજાર, ભચાઉ, રાપર,
મુંદરા અને નખત્રાણા સહિતના તાલુકા મથકો ઉપરાંત માધાપર, ગઢશીશા અને બિદડા જેવા સમૃદ્ધ
અને મોટાં ગામો ખાતે જાહેર માર્ગો અને સાંકળી ગલીઓમાં જોવા મળતો હાથલારીઓનો જમાવડો
બારમાસી દબાણનું સ્વરૂપ જ ધરી ચૂક્યા છે. મોટાં ગજાના નેતાના આગમન સમયે કલાકોમાં હટાવી
નખાતાં આવાં સ્થાનો એકાદ-બે દિવસમાં ફરી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળીને ગોઠવાઇ જતાં
હોવાથી સંબંધિત તંત્રોની કામગીરીની બેવડી નીતિ અને પારદર્શિતા વિશે પણ સવાલો ઊભા થઇ
રહ્યા છે. બીજીબાજુ એક બિનસત્તાવાર છતાં આધારભૂત સૂત્રો મુજબ વિવિધ વ્યવસાયી સ્થાનોની
આગળ રોડ ઉપર ઊભનારા વિક્રેતાઓ પાસેથી રોજિંદું ભાડું વ્યવહાર બની ચૂક્યો છે. તંત્રને
પણ સરવાળે આવાં સ્થાનો ફાયદેમંદ રહેતા હોવાથી અને જેને નડતર થાય છે, તેઓ પણ મળી રહેલાં
ભાડાંને જોઇને ફરિયાદ કરતા ન હોવાથી સામાન્ય વ્યક્તિઓ સિવાય કોઇને જાણે મુશ્કેલી જ
નડતી ન હોય તેવું લાગી રહ્યું છે.