• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સંપત્તિનું દાન આપનારા ઘણા પણ સંતતિનું દાન કોઈક જ આપી શકે

મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 21 : સંપત્તિનું દાન કરવું એ સહેલું છે, પણ પોતાના સંતાનોનું દાન કરવું એ જિન શાસનની અજાયબી છે. એવું માંગલિક મંગલાચરણમાં દેવ શ્રીમદ વિ. મુક્તિમુનિચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું. આધોઈ ખાતે જિન સાશનમાં પ્રથમવાર રત્નસ્તંભ અને રત્નકુક્ષી સન્માન સમારંભ યોજાયો હતો. પૂજ્યશ્રીએ કહ્યું કે, જે મા-બાપ પોતાનાં કાળજાના કટકા સમા સંતાનો આ જૈન શાસનને આપે છે, તેમનું સન્માન થવાનું છે, તે ઉત્તમ કાર્ય છે. સંપત્તિનું દાન તો ઘણા કરી શકે પણ સંતાનોનું દાન કરનારા કોઈક જ મળે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો. પરમાત્માની આજ્ઞા જેને હૃદયથી વ્હાલી લાગી, તે પૂણ્યાત્મા જ જૈન શાસનની પેઢીને આગળ ધપાવી શકે છે. આધોઈ વીશા ઓસવાળ મૂર્તિપૂજક જૈનસંઘના આંગણે દેવ શ્રીમદ વિ. મુક્તિમુનિચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ 70થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતોનો ચાતુર્માસ ચાલી રહ્યો છે. આ પ્રસંગે યોજાયેલા સાધુ ભગવંતો સાધ્વીજીઓના માવતરોને પોંખવાના કાર્યક્રમના પ્રારંભે સંઘના ઉપાશ્રયથી વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. મુક્તિતિલકવિજયજી મ.સા.એ કાર્યક્રમની ભૂમિકા આપતાં કહ્યું કે, આધોઈને આંગણે આટલા મોટા વિશાળ સાધુ સાધ્વીજી મ.સા.નો ચાતુર્માસ મળ્યો છે, જેમાં 34 જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતે યોગદ્રહનની ક્રિયાઓ કરી, તે સિવાય 80થી 90 ઉપર વર્ધમાન તપની ઓળી કરનારા અનેક ભગવંતોનો લાભ મળ્યો છે. 72 સાધુ-સાધ્વીજીના સંસારી માતા-પિતા, ભાઈ-બહેન, સગા-સંબંધી કે જેઓ સુરત, વડોદરા, ભીવંડી, મુંબઈ હાલોલ, ડીસા વગેરે જગ્યાએ રહે છે, તે તમામને સન્માનાયા હતા. મૂળ આધોઈના હાલે મુંબઈથી આવેલા સંચાલક નીરવભાઈ દામજી શાહે સાધુ-સાધ્વી મહારાજનો પરિચય પોતાની શૈલીમાં કરાવ્યો હતો. સંઘના ઉપપ્રમુખ મૂલચંદભાઈએ મહારાજશ્રીએ આ કાર્યક્રમનો લાભ આધોઈ સંઘને આપ્યો, તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. મહાગિરિજી વિજયજી મ.સા., મૂર્તિતિલક વિજયજી મ.સા., મુક્તિપરાગ વિજયજી, મુક્તિમંદિર વિ.મ.સા., મુક્તિધ્યાન મ.સા, મુક્તિકનક વિજયજી મ.સા., બાલમુનિ મ.સા. યશોધર્મશ્રીજી, હેમલતાશ્રીજી, રક્ષિતગુણાશ્રીજી, દિવ્યકરુણાશ્રીજી, તપપ્રભાવિકા સાધ્વીજી હંસકીર્તિજી, સાધ્વીજી મુક્તિધર્મશ્રીજી, સાધ્વીજી દર્શનાશ્રીજી સહિત હાજર રહ્યા હતા. સંગીતના સૂરો મુંબઈના કલાકાર કેવનભાઈએ રેલાવ્યા હતા. સંઘના ટ્રસ્ટીઓ દામજીભાઈ, ચાંપશીભાઈ, ભગવાનજીભાઈ, પ્રેમજીભાઈ, રવજીભાઈ વગેરે વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.  સહયોગી યજમાન તરીકે કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા, કેસરબેન નાનજી નીસર, અમૃતબેન વેલજી નરશી શાહ, એક સદગૃહસ્થ પરિવારે લાભ લીધો હતો. માજી સરપંચ જસુભા કલુભા જાડેજા, ખુમાણભાઈ જખરા વણકર વગેરેએ હાજરી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang