• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

દિવાળી માટે તૈયાર કપડાંમાં અઢળક વેરાયટી

હેમાંગ પટ્ટણી, કુલદીપ દવે અને હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 21 : તહેવારોના રાજાની જેને ઉપમા આપવામાં આવી છે એ દિવાળીના પંચપર્વની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દીપાવલિ પર્વના આગોતરા ધમધમાટને લઇ બજારોમાં ચહલ-પહલ વર્તાવવાની શરૂ થઇ ગઇ છે. આ તહેવારની ઉજવણીમાં વત્ર પરિધાનનું વિશેષ મહત્ત્વ રહેલું જોવા મળતું હોય છે. આ મનગમતાં પર્વની ઉજવણીને માણવા માટે બજારમાં તૈયાર વત્રોની અઢળક વેરાયટીઓ ઉપલબ્ધ છે. રોયલ મેન્સવેરના ભીમજી જાડેજાએ કહ્યું કે, જેન્ટ્સ વેરમાં કેટલીક વર્ષો જૂની ફેશન ફરીથી ચલણમાં આવી છે. બેગી કલેક્શન, સ્ટ્રેટ ફીટ જીન્સ, બૂટકટ જીન્સ, પ્રિન્ટ અને ચેક્સ શર્ટ, ટી-શર્ટમાં લાયક્રા, જેકેટ સૂટ સહિતની વેરાયટીઓની વિશાળ શ્રેણી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ભાવમાં જોવા મળતા સામાન્ય વધારા વચ્ચે સિન્થેટિકની તુલનાએ કોટન કાપડનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે. ઉદય ડ્રેસિસના હેતલભાઇ શાહ કહે છે કે, આ વખતે યુવાવર્ગમાં કોલેજ ગર્લ્સ કે ટીનએજર સલવાર-સૂટની પસંદગી કરનારા વર્ગમાં સ્ટ્રેટ લોંગ પેન્ટ-સૂટ, ડ્રેસ વિથ પ્લાઝો, લોંગ ડ્રેસ વિથ ઘરારા વધારે પસંદગી પામ્યા છે. ફોક સ્ટાઇલ અને અનારકલીનું ચલણ પણ જોવા મળી રહ્યું છે. રંગની પસંદગીમાં પેસ્ટલ કલર વધારે ઇનડિમાન્ડ છે, જ્યારે બ્રાઇટ કલરમાં ઓરેન્જ, ટીલ બ્લૂ તથા રાણી રંગના બધા સેડ્સનું વેચાણ મોખરે છે. સિફોન, ઓરગેન્ઝા, સિલ્ક કાપડ, સિમર ટિશ્યૂ વિથ દુપટ્ટાનું ચલણ વધારે જોવા મળે છે. હેન્ડવર્ક, સફેદ મોતી, જરદોશી, સિકવન્સ વર્કમાં પણ આકર્ષણ દેખાઇ રહ્યું છે. એકલા ભુજની જ વાત કરીએ તો રેડિમેડ કપડાંની લગભગ 400થી વધુ દુકાનો અલગ-અલગ વિસ્તારમાં આવેલી છે, તો ભુજ-ગાંધીધામ જેવા જિલ્લાના મોટા શહેરોમાં હવે મોલ સંસ્કૃતિ પાંગરી રહી છે. વાણિયાવાડના યુવા વેપારી વિરલ શેઠે કહ્યું કે, ઓનલાઇન-મોલ સંસ્કૃતિના લીધે તૈયાર વત્રોની ઘરાકી પર થોડી અસર વર્તાય છે, પણ જેમને ટ્રેડિશનલ એટલે કે દિવાળી-લગ્નસરા માટે કપડાંની ખરીદી કરવી છે, તેઓ તો દુકાનમાં આવીને જ ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. બાળકોમાં વેસ્ટર્ન કલેક્શનના વત્રોનું ચલણ વધારે જોવા મળતું હોવાનું વેપારી સચિન આહીરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હજી સુધી ખરીદીમાં જોઇએ તેટલો દમ દેખાતો નથી, પણ છેલ્લી ઘડીએ ઘરાકી જામશે એવો અમને વિશ્વાસ છે. બાળકોમાં કેપ્રીનો સૂટ, જીન્સ-પેન્ટ તેમજ શર્ટ, ટી-શર્ટમાં વિવિધ પ્રકારની વેરાયટી સાથે કાર્ટૂન કેરેક્ટરવાળા ટી-શર્ટનું ચલણ જોવા મળી રહ્યું છે. `સંગીત સાડી'ના વેપારી જીનયભાઇ દોશી જણાવે છે કે દિવાળી કલેક્શનમાં 1500થી 6000 સુધીના બજેટમાં ખરીદી કરતા ગ્રાહકો વધારે જોવા મળે છે. આ વખતે સિલ્ક, ઓરગેન્ઝા, ટિશ્યૂ, લીનન, મિક્સ કોટન, આર્ટિફિશિયલ સિલ્ક, વીવિંગ બાંદણી, ગોતાપટ્ટી, પર્લવર્કની ફેશન વધારે છે. બનારસ, કલકત્તા, બેંગ્લોરની બનાવટોનું કલેકશન મહિલાઓને વધુ પસંદ આવી રહ્યું છે. નવી પેઢીને સાડી પહેરવાની ઝંઝટથી મુક્તિ મળે અને સાડી પહેરવાનો શોખ પણ પૂરો કરી શકે તે માટે `રેડી ટુ વેર' સાડી બેસ્ટ ઓપ્શન છે. સાડી સાથે બ્લાઉઝમાં પણ નિતનવી વેરાયટી જોવા મળે છે. દરેક સાડી વિથ બ્લાઉઝ જ મળે છે. અંજારના રેડિમેડ કપડાંના વેપારી કિશનભાઈ પલણે જણાવ્યું હતું કે, આ વખતે તો ગત વર્ષ કરતાં પણ ઓછો વેપાર છે.  મેન્સવેરમાં શર્ટમાં કાર્ગો જારી ફેબરિક, પ્રિન્ટ, ઈમ્પોર્ટેડ ફેબરિક, સાટીન, ગીઝા ક્લબ વિગેરે તથા પેન્ટમાં બેગીપેન્ટ, મોમપીટ સહિતની ચીજવસ્તુઓનું ચલણ છે. અંજારમાં બાળકોના રેડિમેડ કપડાનું વેચાણ કરતા વૈભવભાઈ શાહે જણાવ્યું હતું કે, માત્ર સ્થાનિક બજાર જ ગુજરાત અને મુંબઈમાં પણ મંદીનું ચિત્ર છે. નાના છોકરામાં સસ્પેન્ડર સેટ, જેકેટ, કોર્ડ સેટ, ટી-શર્ટ તથા છોકરીઓમાં પ્લાઝો અને ઘરારા અને સરારા પેન્ટનું ચલણ છે. જૂના વેપારીઓ પાસે બાંધેલા ગ્રાહકો ખરીદી માટે આવે છે. નવા ગ્રાહકો દેખાતા નથી.ભુજના જેન્ટ્સ વેરના વેપારી હાફીઝભાઇએ કહ્યું કે, બેગી જીન્સ, ડાઉન ફોલ્ડર, બુટકટ જીન્સ સહિતનું ચલણ વધારે છે. કોટન-ફોર્મલમાં વિવિધ વેરાયટીની ઉપલબ્ધિ છે, લુગડા બજારના કમલેશ ગંગરે ઓનલાઇન ખરીદીએ વેપારને અસર પહોંચાડયાની વાત કરી હતી.ગાંધીધામમાં કપડાં સીવડવવાને બદલે નાગરિકો તૈયાર વસ્ત્રો ખરીદવામાં રુચિ દર્શાવી રહ્યા છે. નવીનત્તમ ડિઝાઇન ધરાવતા તૈયાર વસ્ત્રોમાં જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કૂર્તા વગેરે કપડાની માંગ યથાવત જોવા મળી રહી છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે તૈયાર શેરવાની, કૂર્તા, કેડિયાની માંગમાં વધારો થયો છે તેવું વાડિંગ કલેક્શનના સંચાલક કે.બી. વાઘેલાએ જણાવ્યું હતું. ગાંધીધામમાં બ્લૂ ક્લબ નામના તૈયાર કપડાના શો-રૂમના મેનેજર શનિભાઈ વારાણીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ મોટા ભાગના લોકો બહાર હરવા ફરવા જતા હોવાથી વર્તમાન સમયમાં લોકોમાં ટ્રાવેલ કલેક્શનનો ક્રેઝ ભારે જોવા મળી રહ્યો છે, જેમાં રિજોર્ટ કોલર, ક્યુબન કોલરની માંગ વધુ છે. તેમજ વેસ્ટર્ન, ટોપ, ડ્રેસ સહિતના આરામદાયક વસ્ત્રો પણ મહિલાઓમાં પસંદગીનું કેન્દ્ર બની રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang