• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મગફળી-કપાસની મહેનત પર વરસાદી પાણી ફર્યું

રમેશ ગઢવી તથા શાંતિલાલ લિંબાણી દ્વારા : કાઠડા/વિથોણ, તા. 21 : દિવાળી ઉજવવા થનગનાટ જોવા મળે છે. સાથો સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાં અને વાવાઝોડાની આગાહીઓ થઇ રહી છે ત્યાં હવામાનમાં ગરમીનો પારો ઘટવાના બદલે વધી રહ્યો છે અને વાતાવરણમાં ફેરફારે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મોઢે આવેલો કોળિયો છીનવાઇ જાય તેનો ભય સતાવે છે, ત્યારે ધરતીપુત્રો કપિત પાકોને આટોપી લેવા અને માલ ઘર સુધી પહોંચી આવે તે માટે કવાયતમાં લાગ્યા છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં મગફળીના પાકને મોટી અસર પહોંચી છે. કપિત પાક મગફળી, મગ, તલ, જુવાર વગેરે પાકોની મુદ્દત 90થી 100 દિવસની હોય છે, જેથી ચાલુ વર્ષે વાવાઝોડા સાથે સમયસર વરસાદ આવી જતાં કપિત ખેતરોમાં પાકોની સમયસર વાવણી થઇ ગઇ હતી, જે હાલમાં તૈયાર થઇ ગયા છે, જે વહેલીતકે ભેગા કરવામાં ખેડૂતો વ્યસ્ત છે. ઉપરથી વરસાદી ઝાપટાં અને વાવાઝોડાની આગાહીથી ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે. તો બીજીતરફ રોકડિયો પાક કપાસ પણ અનેક ખેતરોમાં ફૂટયો પડયો છે, જે પણ વરસાદ થાય તો કાળો થઈ જવાનો ભય સતાવે છે. ત્યારે ખેડૂતવર્ગ અને મજૂરવર્ગ ખેતીમાં પરોવાયા છે અને કહી રહ્યા છે કે ચાલુ વર્ષ ખેતી માટે તો નબળું જ રહ્યું છે. એકતરફ વાવાઝોડાં સાથે વરસાદથી પાકોને ઘણું નુકસાન થઇ રહ્યું હતું, જેમાંથી માંડ માંડ ગાડી પાટે ચડી રહી છે, ત્યારે ફરીથી વાતાવરણમાં બદલાવ થતાં શું થશે તે કંઇ ખબર જ પડતી નથી. આ અંગે કાઠડાના ખેડૂત અગ્રણી વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે, જે ભેગો કરી ઘર સુધી પહોંચાડવામાં વ્યસ્ત છીએ અને હાલની પરિસ્થિતિએ તો માલ અને ચારો ઘર સુધી પહોંચી જાય તો `જગ જીત્યા' જેવી પરિસ્થિતિ છે. વાતાવરણમાં ગરમી વધી રહી છે અને બપોર પછી આકાશમાં શેર ઉપર ચડે તો ભય લાગે છે કે ક્યાંક વરસી ન પડે, જેથી વધુ રૂપિયા દઇને મજૂરી રાખીને પણ માલ બચાવવા મથી રહ્યા છીએ. બાકી ચાલુ વર્ષ ખેતી માટે તો નબળું જ છે, તો માત્ર કપાસની ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વિશ્રામ પાસ્તાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા અને વરસાદમાં કપાસનો થોડોક પાક બચ્યો હતો જે મહામહેનતે ખર્ચા નીકળે તેવી પરિસ્થિતિએ પહોંચ્યા છીએ, પણ જો હવે વરસાદ પડશે તો ભૂંગું વિંખાઇ જશે અને પાક ધિરાણની લોનને કેવી રીતે ભરશું તેનો ભય સતાવે છે. દુર્ગાપુરના કિસાન વલ્લભભાઇ વેલાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ખેડૂતો માટે તો બહુ જ નબળું છે. વરસાદમાં અતિવૃષ્ટિના લીધે પાક ખતમ થઇ ગયા. સરકારે જ સર્વ કામગીરી હાથ ધરી પણ હજી સુધી ખેડૂતોને વળતર પેટે કાંઇ જ મળ્યું નથી, જેથી ખેતીમાં તો મુશ્કેલી જ છે. સામે સરકાર પણ ખેડૂતો સામે અન્યાય કરે છે. વરસાદના લીધે પાકોને નુકસાન થયું તેનું હજી સુધી વળતર નથી ચૂકવાયું અને વળી ઉપરથી વાતાવરણમાં બદલાવે ખેડૂતોને દોડતા કરી દીધા છે ત્યારે વહેલીતકે અતિવૃષ્ટિ નુકસાનીની વળતરની ચૂકવણી કરવી જોઇએ. સાથો સાથ ખેડૂતોએ લીધેલા પાક ધિરાણની ચૂકવણીમાં પણ ડિસ્કાઉન્ટ આપવું જોઇએ જેથી આખા દેશને રોટલો પૂરો પાડતો ખેડૂત ફરીથી પગભર થઇ શકે. બીજીબાજુ નખત્રાણા પંથકના ખેડૂતોના આ વર્ષે મગફળી પેદામાં લાખના નવ હજાર થયા છે. મગફળીના પથારા પલળી જવાથી પાંદડા કાળા પડી ગયા છે અને મગફળી ચાસનો ભૂક્કો થઇ જવાથી ખેડૂતોને મોટી ખોટ પડી છે. મગફળી તૈયાર થતાંની સાથે દક્ષિણ ભારતના વેપારી મગફળી ખરીદવા આવે છે. આ વર્ષે પણ તેલુગુભાષી વેપારીઓનું આગમન થયું છે પરંતુ જ્યાં વરસાદ થયો છે તેવા વિસ્તારની વાડીઓમાં મગફળી  જોઇ ખરીદવા નનૈયો ભણે છે અને જ્યાં પથારા પલળ્યા નથી ત્યાં કવોલિટી પ્રમાણે ભાવ કરે છે. ચાલુ વર્ષે મગફળી  પેદાશને નિયમિત પાલર પાણી મળવાથી છોડ પાંગર્યા હતા અને ડેડવા પણ પુષ્કળ માત્રામાં લાગ્યા હતા, તે જોઇ ખેડૂતો પણ ગેલમાં હતા પરંતુ આસોના પાછોતરા વરસાદે ખેડૂતોની બાજી બગાડી નાખી છે. બિપોરજોય વાવાઝોડાની ખોટ કદાચ મગફળીમાંથી મળશે તેવી આશા ઠગારી નિવડી છે. પંથકનો ખેડૂત ફરી એક વખત આકાશી આફતનો ભોગ બન્યો છે. અન્ય પેદાશોની સરખામણીએ મગફળીનો ઉછેર થોડો મોંઘો હોય છે. ખેડ, પાયાનું ખાતર, બિયારણ, દવા અને રાસાયણિક ખાતરના ડોઝનો ખર્ચ પણ ઊંચો હોય છે અને લણણી સમયે કુદરતી આફત ત્રાટકે ત્યારે ખેડૂતોને હાથના કર્યા હૈયે વાગે છે અને પથરા ઉપર પાણી ફરી વળે ત્યારે ખેડૂતો ઉપર આભ ફાટયું હોય તેવું થાય છે. તાલકાની 60 ટકા ઉખેડેલી મગફળીના જથ્થા ઉપર વરસાદ પડવાથી ભારે નુકસાન થયું છે. ખેડૂતો પોતાનું દુ:ખ કોની પાસે વ્યક્ત કરે તે સમજાતું નથી. સરકારી સહાય પણ ખેડૂતોને સમયસર મળતી નથી. આસોમાં અષાઢ જેવા વરસાદે ખેડૂતોને મોટી હાનિ કરી નાખી છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. ખેતી એક એવો વ્યવસાય છે જે સંપૂર્ણ કુદરતને ભરોસે ચાલે છે. જડે ભગવાન મહેરબાન તડે જ ખેડૂત પહેલવાન બને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang