• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

`યંગ ઈન્ડિયા' માટે ગૌતમ અદાણીનું સો કરોડનું દાન

મુંદરા, તા. 21 : દેશના યુવાધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણ વિકસાવવા પ્રયત્નશીલ અદાણી ગ્રુપે કૌશલ્ય આધારિત સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના માટે રૂા. 100 કરોડની માતબર રકમનાં દાનની જાહેરાત કરી છે. તેલંગાણા સરકાર ટૂંક સમયમાં યંગ ઈન્ડિયા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવા જઈ રહી છે. અદાણી ફાઉન્ડેશન આ યુનિવર્સિટીની સ્થાપનામાં મદદ કરવા આગળ આવ્યું છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેલંગાણાના સી.એમ. રેવંત રેડ્ડીને 100 કરોડ રૂપિયાનો ચેક સુપરત કર્યો હતો. ગૌતમ અદાણીએ તેલંગાણામાં `યંગ ઈન્ડિયા સ્કીલ યુનિવર્સિટી' માટે રૂા. 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. નવી સ્કીલ યુનિવર્સિટી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ પર ચાલશે, જેમાં તાલીમાર્થીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો સમકક્ષ અભ્યાસક્રમો અને તાલીમ આપવામાં આવશે. શ્રી અદાણીએ તેલંગાણામાં યુવાનોના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારની પહેલને સમર્થન અને સહકાર આપવાનું વચન આપ્યું છે. તેલંગાણા એસેમ્બલીએ અગાઉ રાજ્યમાં યંગ ઈન્ડિયા સ્કીલ યુનિવર્સિટી-તેલંગાણાની સ્થાપના માટે એક બિલ પસાર કર્યું છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે, `મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અંગ્રેજી સામયિક `યંગ ઈન્ડિયા' શરૂ કર્યું હતું. ગાંધીજી થકી પ્રેરણા લઈને તેલંગાણા સરકારે યુનિવર્સિટીનું નામ `યંગ ઈન્ડિયા સ્કીલ યુનિવર્સિટી' રાખ્યું છે. જે એક જાહેર ખાનગી ભાગીદારી એટલે કે, તે પીપીપી મોડલ પર ચલાવવામાં આવશે.' આ  યુનિવર્સિટીમાં ઉદ્યોગોના સહયોગથી બીએફએસઆઈ, ફાર્મા અને બાયોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રિટેલ અને ઈ-કોમર્સ જેવા અનેક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang