ભુજ, તા. 5 : સાતમ -આઠમના તહેવારથી શરૂ થયેલી મેઘ મહેર પછી હમીરસરનાં
ઓગનમાંથી નીકળેલાં પાલર પાણીમાં ગટરનાં પાણી ભળેલા જેથી મોટી માત્રામાં વહી નીકળેલા
આ પાણી સંજોગ નગર, શાંતિ નગર, વાવ ફળિયા અને આશાપુરા નગર રહેવાસીઓનાં ઘરમાં ઘૂસ્યાં
બાદ હજુ પણ ઘણાંનાં ઘરમાં પાણી ભરેલા દેખાઇ રહ્યાં છે. આશાપુરા નગર - જૂની ભાટિયાવાડી
પાસે આવેલી હોમ ફાઉન્ડેશન સંચાલિત શાળાનાં કમ્પાઉન્ડમાં અને ક્લાસરૂમ સુધી વહેતાં પાણી
પહોંચ્યા હોવાથી હજુય શાળા બંધ પડી છે. 250 જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસથી વંચિત
છે ત્યારે શાળાના શિક્ષકો કોરોના કાળની જે
સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યાં છે. શાળાના શિક્ષિકા
મીનાબેન ગોરે કચ્છમિત્રને જણાવ્યું હતું કે, અનેક લેખિત - મૌખિક રજૂઆત પછી કોઇપણ તંત્ર
કે નગરપાલિકાએ પૂછા પણ કરી નથી. પાલર પાણીની સાથે ગટરનાં પાણી પણ ભળી જતાં સ્વાસ્થ્ય
ઉપર કેટલી અસર થશે તેનો કોઇ અંદાજ નથી. મધ્યમવર્ગના પરિવારની વસ્તી છે. ભરેલાં પાણી
મોટી બીમારી પણ સર્જી શકે તેમ છે. અહીં રેલવેના ત્રણ અન્ડરબ્રિજમાંથી લોકો આવન - જાવન
કરે છે, પરંતુ હાલે બ્રીજમાં મોટી માત્રામાં પાણી ભરેલા હોવાથી રસ્તો સદંતર બંધ છે.
લોકો લાંબો ફોગટ ફેરો લઇ અથવા પાણીની વચ્ચે નાછૂટકે આવ - જાવ કરે છે. રેલવે ફાટક પાસે
નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરાઇ હતી, પણ એ સુવિધા નિષ્ફળ?ગઇ હોવાનું
અત્યારે દેખાઇ?રહ્યું છે.