નખત્રાણા, તા. 5 : જન્માષ્ટમી દરમ્યાન સમગ્ર તાલુકા પંથકમાં
અનરાધાર વરસાદ તથા બીજા દિવસે વાવાઝોડાંની ઝપટથી વાડી-ખેતરોમાં વાવેતર કરાયેલા ગુવાર
તથા તુવેરદાળનો પાકને વધુ પાણી થતાં છોડ બળી જવા, કપાસના છોડ સૂઇ જવા તેમજ છામડ છાયા વાતાવરણને કારણે એરંડાના છોડમાં લશ્કરી
ગાડરના ઉપદ્રવથી પારાવાર નુકસાન થતાં ધરતીપુત્રો
સંકટમાં આવી ગયા છે. ન.તા.પં.પૂર્વ પ્રમુખ અને ખેડૂત અગ્રણી ભરતભાઇ સોમજિયાણીએ અતિવૃષ્ટિથી
પાકોને થયેલી પારાવાર નુકસાની અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર તાલુકા
પંથકમાં શરૂઆતમાં સારા વરસાદથી ખેડૂતે પોતાની ખેતીવાડીના મોટાભાગમાં કપાસ, એરંડા, મગફળી,
ગુવાર, તુવેરદાળ સહિતના ખેતપેદાશની જણસીઓનું વાવેતર કર્યું હતું. તે પૈકી ગુવાર, તુવરદાળના
પાકના ઠામોમાં અતિવૃષ્ટિથી ડૂબ થયેલા છોડ તદ્દન સડી જતાં તેમજ વાવાઝોડાથી કપાસ, એરંડાના
છોડ આડા પડી જતા ખેતપેદાશોને પારવાર નુકસાન થયું છે, જ્યારે છાયા વાતાવરણથી લશ્કરી
ગાડર જીવાતના ઉપદ્રવથી છોડના પાંદડા નષ્ટ થવાના કારણે નુકસાન થવા પામ્યું છે. વાડી
વિસ્તારના વૃક્ષો ધરાશાયી થવાથી બાગાયતી પાકોને વધુ પડતું નુકસાન થવા પામ્યું છે. નુકસાનીની
ખેડૂતોએ સરકાર દ્વારા સહાય માટે માંગ કરી હતી.