માંડવી, તા. 4 : વિક્રમી વરસાદથી તરબોળ થઇ મેઘ તારાજીનો ભોગ
બનેલા માંડવીમાં વરસાદી પાણીના નિકાલ માટે રાઉન્ડ ધી ક્લોક ચાલતા યંત્રોના ધમધમાટ વચ્ચે
શહેરમાં જળભરાવ આંશિક હળવો થયો હોવા છતાં શહેરીજનોની સમસ્યાનો પૂર્ણ ઉકેલ હજુ દૂર રહ્યો
છે. બાબાવાડી વિસ્તારમાં સવા ફૂટ જેટલું પાણી
હજુય ભરાયેલું રહેતાં લોકોની પારાવાર સમસ્યા યથાવત રહી છે. - સાંજીપડી-કંસારા બજારમાં વહેતા પાણીમાંથી થોડી રાહત થઇ હતી. : ધવલનગર, બાબાવાડી વિસ્તારમાં
રહેતા લોકોના ઘરોમાં ઘરવખરી, ગાદલાં-તકિયા વિગેરે અનેક સામાન પોતાના આંગણામાં નગર સેવા
સદનના ટ્રેક્ટરની રાહ જોવામાં એકઠો કરેલો જમા પડયો છે, તો અમુક ઘરવાળાઓએ ભરાયેલ પાણીમાં
આ બધી ઘરવખરી નાખી દેતાં ગંદકીમાં વધારો થયો છે. નગર સેવા સદનની લાઇનનું પાણી ટાંકામાં
આવવાથી ફરી એ જ ટાંકામાં ગંદકીની પરિસ્થિતિ ઊભી થતી હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ
છે. દવાઓનો છંટકાવ કરી સફાઇ ઉપર સેવા સદન ધ્યાન આપે તેવી લાગણી રહેવાસી રાજુભાઇ પેથાણીએ
વ્યક્ત કરી હતી. જ્યોતેશ્વર પાર્કમાં રહેતા વેપારી નિરંજનભાઇ ચંદારાણાએ કહ્યું કે, નદીના કિનારે નવી સોસાયટી ઊભી થઇ રહી છે.
તેણે પાછળ દીવાલ ઊભી કરેલ તે દીવાલ ધસમસતા પાણીના પ્રવાહથી તૂટી જતાં નદીનું પાણી દીવાલને
તોડીને આવતાં ઘરવખરીની સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે. માંડવીના બાબાવાડીના
માધવનગર-2માં ગીતા મંદિર પાછળ રહેતા મનોજભાઇ હીરાલાલ ભાનુશાલીએ જણાવ્યું કે, ભરાયેલા પાણી ક્યારે નીકળશે તેનો કોઇ અંદાજ નથી. મેરાઉ પ્રાથમિક
શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઇ કાનજીભાઇ પરમારે કહ્યું કે, તા. 3/9ના સવારે પરત આવતાં માધવનગર બાબાવાડીમાં
આવેલ તેમના ઘરમાં જળભરાવથી મોટી નુકસાની થયાનું કહ્યું હતું.