• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

નારાયણ સરોવર વિસ્તારમાં ગીર જેવા સફારી પાર્કનો નિર્ણય

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 31 :?જૂનાગઢ પાસે ગીરના જંગલમાં ફરવા જઇએ ને સિંહ-ચિત્તા જેવા માંસાહારી પ્રાણીઓને નિહાળવા એ એક લ્હાવો છે ત્યારે જો આવા સફારી વિસ્તાર કચ્છમાં બને અને ગીરની જેમ પ્રવાસીઓ જો કચ્છના સફારી પાર્કમાં પ્રાણીઓ નિહાળવા આવે તો... ? હા, કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તા મંડળ (સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી) તરફથી કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં 250 હેક્ટરમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળતાં આગામી સમયમાં સમુદ્રી સીમાદર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો કચ્છ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં અત્યાર સુધી 44 હજાર હેક્ટરમાં ચિંકારા અભયારણ્ય જાહેર થયેલું છે અને વન વિભાગ તરફથી મળેલી વિગતો પ્રમાણે આ અભયારણ્યમાં 500 જેટલા ચિંકારા જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ચિંકારા અભયારણ્યની સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેને ખુદ પશ્ચિમ વિભાગના નાયબ વન અધીક્ષક યુવરાજસિંહ ઝાલાએ સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય સત્તા મંડળ તરફથી પરવાનગી મળી હોવાના આધારે નાયબ વન અધીક્ષક શ્રી ઝાલાને પૂછતાં તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે. નારાયણ સરોવરની સમુદ્રી સીમા પડોશી દેશ સાથે જોડાયેલી હોવાથી ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની ભલામણથી કેન્દ્રીય પ્રાણી સત્તા મંડળે મંજૂરી આપી છે કેમ કે પ્રવાસનને વિકસાવવા સમુદ્રી સીમાદર્શનનું આયોજન કરવાનું હોવાથી તેના ભાગરૂપે અહીં આવનારા પર્યટકો સફારી પાર્કનો પણ?આનંદ લૂંટી શકે છે. વન્ય-જીવ પ્રવાસનના વિકાસ માટે સરકારે ગંભીરતાપૂર્વક નિર્ણય કર્યો હોવાથી આવનારા દિવસોમાં પશ્ચિમ વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવશે. કોરીક્રીક વિસ્તારમાં ચેરના વિકાસ, સંવર્ધન અને ચેરનાં જંગલના મહત્ત્વ માટે પડાલા બેટ ઉપર સેન્ટર પણ બનાવવામાં આવ્યું હોવાથી એક પર્યટનની સર્કિટ બનાવવાના ભાગરૂપે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. શ્રી ઝાલા તથા નારાયણ સરોવરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હસમુખ ચૌધરીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 250 હેક્ટર વિસ્તારમાં સિંહ, દીપડા, ચિંકારા અને કાળિયાર જેવા માંસાહારી પ્રાણીઓ જોવા મળશે. આ માટે સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ, સરિસૃપ, જુદા જુદા પક્ષીઓની પ્રજાતિ જોવા મળશે. કેટલીક શરતો પણ?પૂર્ણ કરવાની રહેશે. કુલ 140 કરોડની દરખાસ્ત સામે રૂા. 30 કરોડની મંજૂરી મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કાળિયાર વિલુપ્ત પ્રાણી છે તે અને સિંહ-સિંહણ વગેરેને અહીં વસાવી પ્રજનન કરાવવામાં આવશે જેથી પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય એ જાતનો નિર્ણય હોવાથી આવા પ્રાણીઓ સફારી પાર્કમાં ખુલ્લામાં વિચરણ કરી શકે એ રીતે મૂકવામાં આવશે. આખાય 250 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરવામાં આવશે. એક જ સર્કિટમાં પ્રવાસીઓ માતાના મઢ, નારાયણ સરોવર દર્શન, સફારી પાર્ક, સમુદ્રી સીમાદર્શન વગેરે કરી શકે તેવું  આયોજન ગોઠવાતું હોવાનું જણાવ્યું હતું.કેટલા પ્રાણીઓ વસાવી શકાય આ વિશે જણાવ્યું કે, શરૂઆતમાં 10 દીપડા રહી શકે, પાંચથી સાત સિંહ નર-માદાને લઇ આવી અહીં વસાવવાની યોજના છે. આવતા વર્ષ સુધીમાં સફારી પાર્ક તૈયાર થઇ જાય એ જાતનું આયોજન ગોઠવાઇ રહ્યું છે. સફારી પાર્ક માટે વન વિભાગ પાસે એટલા મહેકમની જરૂર નહીં પડે ? ત્યારે તેઓએ જણાવ્યું કે, સ્ટાફની જગ્યાઓ વધારવામાં આવશે. પાર્કમાં ફરી શકે તેવા વાહનો વગેરે જેથી ગીર સફારી જેવી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અંતમાં એમ ઉમેર્યું હતું. અત્યારે આમેય  દોલતપરથી બરંદા, ગુનેરી સહિતના વિસ્તારમાં અભયારણ્યમાં ચિંકારા પ્રાણી માટે રકાબી જેવા કૃત્રિમ અવાડા જેવી પ્રાથમિક સગવડો વિકસાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang