• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

અબડાસામાં બે દિવસથી ભારત સંચાર નિગમની સેવા સદંતર ઠપ

નલિયા, તા. 26 : છેવાડાના એવા અબડાસામાં છેલ્લા બે દિવસથી ભારત સંચાર નિગમની સેવા સદંતર ઠપ થઇ જતાં બી.એસ.એન.એલ.ના ગ્રાહકોમાં ભારે નારાજગી વ્યાપી છે. નેટ સેવા પણ બંધ થઇ જતાં મોંઘા ઉપકરણો સદંતર મૂંગા બની ગયા છે, જેના કારણે નેટને લગતી સેવાઓ બંધ થઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અબડાસાના અમુક અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ખાનગી કંપનીના મોબાઇલ ટાવર નથી પહોંચ્યા ત્યાં આ બી.એસ.એન.એલ.ની મોબાઇલસેવા તેમજ નેટ સેવા આવા દુર્ગમ વિસ્તાર માટે એકમાત્ર સહારા સમાન છે. તેમાંય છેલ્લા બે દિવસથી આ સેવાની સાથે નેટ પણ બંધ થઇ જતાં વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના રસિયાઓ ભારે મૂંઝાયા છે. એ ઉપરાંત આ નેટ સંબંધિત કેટલીક જરૂરી સેવાઓ પણ બંધ થઇ જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ભારત સંચારની લેન્ડ લાઇન સેવા તો હવે અબડાસામાં નામશેષ થવાના આરે છે, ત્યારે આ એક મોબાઇલસેવા જ અંતરિયાળ વિસ્તારના લોકો માટે તાકીદના સમયે એક હાથવગો ઓજાર છે, પરંતુ મોબાઇલસેવા પણ ધીરે ધીરે લંગડાતી ચાલે ચાલતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે. આમ પણ જ્યારે આ નેટવર્ક ચાલુ હોય છે ત્યારે પણ મોબાઇલ સેટમાં ફોર-જીનું સિમ્બોલ બતાવે, પરંતુ નેટવર્ક અર્થાત વ્હોટ્સએપ તો ચાલે જ નહીં. ક્યારેક ભૂલેચૂકે ફોન લાગે અથવા કોઇનો એકાદ ફોન આવી જાય. આવી પરિસ્થિતિના કારણે અબડાસાના મોટાભાગના અથવા તો એમ કહીએ કે 80થી 90 ટકા ગ્રાહકો ખાનગી મોબાઇલ કંપનીઓ તરફ ઢળી ગયા છે, પરંતુ હજી કેટલાક સ્થળ એવા છે કે, જ્યાં તેમને બી.એસ.એન.એલ. સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. એવા લોકોએ જ માત્ર બી.એસ.એન.એલ.ના કાર્ડ રાખ્યા છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. નલિયાની એકમાત્ર ભારત સંચાર નિગમની કચેરીમાં કોઇ ફરિયાદ સાંભળવાવાળું પણ નથી, તો આવી પરિસ્થિતિમાં લોકોનો `જાએ તો જાએ કહાં' જેવો તાલ સર્જાયો છે. આથી આ સરકારી મોબાઇલની સેવા સત્વરે સુધારવામાં આવે તેવી લોકોએ માગણી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang