• શનિવાર, 27 જુલાઈ, 2024

ધનની સાથે હૃદયની ભાવના જોડાય તો મહોત્સવ વધુ દીપી ઊઠે

માધાપર, તા. 14 : જ્યારે ધનની સાથે હૃદયની ભાવના જોડાય ત્યારે મહોત્સવ વધુ દીપી ઊઠે છે, તેવી લાગણી માધાપર ખાતે મણિનગર ગાદી સંસ્થાનના સ્વામિનારાયણ?મંદિરના અમૃત મહોત્સવના સમાપને વ્યક્ત કરવામાં આવી હતી. અંતિમ દિવસે અન્નકૂટ દર્શન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત ક્ષેત્રે આપેલાં યોગદાન બદલ કીર્તિભાઇ વરસાણીનું વિશેષ સન્માન કરાયું, તો ગાદી સંસ્થાનના આચાર્યને 75 ફૂટના હારથી સન્માનિત કરાયા હતા. સવારના સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મંદિર ખાતે હાજર રહી આચાર્યના આશીર્વાદ મેળવ્યા હતા. ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ અંતર્ગત આજે અન્નકૂટ, આરતી, પ્રસાદ કરી સત્કાર સમારંભ દ્વારા યજમાન કાર્યકર્તા મહોત્સવના દાતાનો સત્કાર કરવામાં આવ્યો હતો. સોમવારે આયોજિત ભીખુદાન ગઢવીના ડાયરામાં ભારે જમાવટ જોવા મળી હતી. આગવી શૈલી `હો રાજ મને લાગ્યો કસૂંબીનો રંગ' પર લોકોએ તાળીના વરસાદથી વાતાવરણમાં પ્રાણ પૂર્યા હતા. શ્રી ગઢવીએ કચ્છને તપોભૂમિ ગણાવી આવવું ગમે છે કહી પ્રજા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો હતો. સૌરભ રાજગુરુ દ્વારા વતનપ્રેમ નાટય આખ્યાન રજૂ થયું હતું. 100 જેટલા કલાકારો દ્વારા રજૂ થયેલા મંગલ પાંડેથી બલિદાન દેશપ્રેમથી અંગ્રેજ સામે આઝાદીની ગાથા લોકોએ માણી હતી. આચાર્ય સ્વામીએ પદ્મશ્રી ભીખુદાન ગઢવીને લોક સાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. સંગીતકાર કીર્તિભાઇ વરસાણીને સંગીત કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ એવોર્ડ આપી આચાર્યજીએ સન્માન્યા હતા. માધાપર સિદ્ધાંત સજીવન અમૃત મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સવારે સ્વામિનારાયણ મંદિર બહેનો-ભાઇઓમાં જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ ઘનશ્યામ મહારાજને ષોડશોપચાર, પૂજન-અર્ચન-આરતી કરી અન્નકૂટ પ્રસાદ ધરાવ્યે હતો. આચાર્યએ આરતી કરી અન્નકૂટ પ્રસાદની વાનગીનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. પાવનકારી અમૃત મહોત્સવ પ્રસંગે આચાર્ય સ્વામીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ-માધાપર મહોત્સવની ઉજવણી ઉલ્લાસ-ઉમંગ-ઉત્સાહ સાથે કરેલી, જે ધન્યવાદને પાત્ર છે. મહોત્સવની ઉજવણી માત્ર ધનથી નહીં પણ હૃદયની ભાવનાથી એટલી જરૂરી છે જે માધાપરના હરિભક્તોમાં સવિશેષ જોવા મળે છે. તેમણે કહ્યું કે, આત્માનો ગુણધર્મ ક્યારે દેહમાં આવતો નથી. આત્મા જ્ઞાનવાન છે, આત્મા અમર છે, ગતિશીલ છે. પ્રસંગે આચાર્યજીએ વેલજીભાઇ વરસાણીની સેવા અને વિવેકબુદ્ધિને યાદ કરી હતી. સભામંડપના સંચાલક વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ જણાવેલું કે, માધાપરમાં વેલજીભાઇ વરસાણી-માવજીભાઇની સત્સંગમાં જોડી હતી. 85 વર્ષની ઉંમરે પણ ભુજ મહોત્સવમાં કલાક સુધી સ્વસ્તિક આસન બેસી કીર્તન કરતા હતા. વાલજીભાઇની ભક્તિ અને તપના પુણ્ય પ્રતાપે આજે તેમનો પરિવાર જાદવજીભાઇ-કીર્તિભાઇ જાહોજલાલી ભોગવી રહ્યો છે. મહોત્સવ પ્રસંગે માધાપર મહિલા મંડળે, 75 વર્ષ પૂરા થતાં 75 ફૂટ લાંબો હાર આચાર્યને માધાપર યુવા મંડળના ભાઇઓએ પહેરાવ્યો હતો. ત્રણ દિવસના મુખ્ય યજમાન વેલજીભાઇ ઝીણાભાઇ ગોરસિયા, સામુબેન પુત્ર લલિતભાઇ, પુત્ર હિતેષભાઇના હસ્તે આરતી કરવામાં આવી હતી. રૂપિયા 15 લાખ દર વર્ષે વાઘજીપુર સ્વામીબાપા કોલેજને શિષ્યવૃત્તિ માટેનો ચેક આચાર્યના હસ્તે અપાયો હતો. અમૃત મહોત્સવ ત્રણ દિવસના યજમાન પરિવાર જાદવજીભાઇ વેલજી વરસાણી પુત્રો કીર્તિભાઇ, દેવેન્દ્રભાઇએ આરતીનો લાભ લીધો હતો. નગરયાત્રાના પણ તેઓ યજમાન પરિવાર હતા. સ્વામિનારાયણ ગાદી ગ્રંથના યજમાન પદે ગોરસિયા સામુબેન વેલજી, ગોરસિયા ધનવંતીબેન લલિતભાઇ, ગોરસિયા સવિતાબેન હિતેષભાઇ, ગોરસિયા જ્યોત્સનાબેન વેલજીભાઇ, સેંઘાણી કલ્પનાબેન પ્રફુલ્લભાઇ, ગોરસિયા તેજસભાઇ હિતેષભાઇ, ગોરસિયા માનસીબેન તેજસભાઇ, સાંખ્યયોગી રામબા પ્રસંગે ચરણાગત સ્વામી-મહંત શાત્રી ભગવતપ્રિયદાસજી મણિનગર ટ્રસ્ટી-મીડિયા પ્રભારી, શાત્રી મુનિભૂષણદાસજી સ્વામી, શાત્રી સર્વેશ્વદાસજી, શાત્રી મહામુનિશ્વરદાસજી, ભુજ મંદિર મહંત - પ્રશાંતસ્વરૂપદાસજી, વિજ્ઞાનપ્રકાશદાસજી, જ્ઞાનભૂષણદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી, સભાસંચાલક સર્વગુણાલયદાસજી સ્વામી, ઉત્તમશરણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અમૃત મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે દાતાના આભારસહ નામોની યાદી કીર્તિભાઇ વરસાણીએ આપી હતી. કથામંડપ સંચાલન વિજ્ઞાનપ્રકાશ સ્વામીએ સંભાળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang