• શનિવાર, 27 જુલાઈ, 2024

કોરોનાકાળ પછી દેશ-દુનિયામાં આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓની રુચિમાં વધારો

ભુજ, તા. 22 : અહીંની જિલ્લા પંચાયત ખાતે આયુષ પ્રદર્શની તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું  હતું, સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની આયુર્વેદિક સલાહ માટે આયુષ ટેલી મેડિસીન સેવાઓનુંયે લોકાર્પણ કરાયું હતું. કોરોનાકાળ પછી દેશ-દુનિયામાં આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓ વિશે રુચિ વધી રહી છે ત્યારે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયત પરિસરમાં આયુષ પ્રદર્શની અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 116 લોકોના એક્સ-રે પરીક્ષણ કરાયા હતા.જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પવન મકરાણી દ્વારા સ્વાગત બાદ આયુષ પ્રદર્શનીમાં આયુર્વેદ ઇતિહાસ, પ્રકૃતિ પરીક્ષણ અને અનુસાર જીવનશૈલી માર્ગદર્શન, આસપાસની વનસ્પતિઓ અને રસોડાની ઔષધિઓનું માર્ગદર્શન, ગમ્મત સાથે જ્ઞાન મળે એવી સ્વાસ્થ્યની સમજ આપતી આયુર્વેદ રમતો, હોમિયોપેથી ઇતિહાસ અને ઔષધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુર્વેદ તેમજ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આયુર્વેદના પંચકર્મની સારવાર પ્રક્રિયાઓ જેમ કે જાનુબસ્તિ, કટિબસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય, અગ્નિકર્મ, વિદ્ધકર્મ, જલૌકા વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આયુષ પ્રદર્શનીમાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન રાજેન્દ્રાસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુરેશ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજ્યાબેન પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવીન્દ્ર ફૂલમાલી, જિલ્લા આંકડા અધિકારી આર.પી. બારોટ, હિસાબી અધિકારી કે. પી. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. બી. એમ. વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમમાં આયુષ પદ્ધતિ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે આયુષ ટેલી મેડિસીન અંતર્ગત મોબાઈલ નંબર 83205 84515નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નંબર પર લોકો પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની આયુર્વેદિક સલાહ માટે સાંજે 4થી 6 વચ્ચે ફોન કરી માર્ગદર્શન લઇ શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang