નવી દિલ્હી, તા. 19 : ફ્રાન્સમાં
મોંઘવારી સામે પરાકાષ્ઠાએ પહોંચેલા વિરોધ પ્રદર્શનમાં 2400થી વધુ દેખાવકારની ધરપકડ થઇ
ચૂકી છે. શિક્ષણના વધતા ખર્ચ, મોંઘવારીની
માર સામે ભારોભાર આક્રોશ સાથે ફ્રાન્સ ઉપરાંત ઇટાલી, સ્પેન,
ગ્રીસ, બેલ્જિયમ, અલ્બાનિયા
મળીને યુરોપના છ દેશમાં હિંસક પ્રદર્શનોની બેકાબૂ બનેલી આગ ફેલાઇ છે. ફ્રાન્સમાં પ્રદર્શનકારીઓએ
મોટી સંખ્યામાં દુકાનોમાં લૂંટ ચલાવવા સાથે અનેક સરકારી ઇમારતોમાં આગ લગાડી દીધી હતી.
ઇટાલીમાં છાત્રોએ અનેક શાળાઓ પર કબજો કરી લીધો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન
લેકોર્નુએઁ સોમવારે સરકારની તાકીદની બેઠક બોલાવી હતી. તેમણે સાંજથી કેટલાક હિંસાગ્રસ્ત
વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો હતો. ફ્રેન્ચ વડાપ્રધાને એવી ચેતવણી પણ આપી
હતી કે, જરૂર પડશે તો આખા દેશમાં કટોકટીની ઘોષણા કરી દેવાશે.
ઠેકઠેકાણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પેરિસમાં તોફાન,
લૂંટફાટ સહિતના ઉપદ્રવમાં અત્યાર સુધીમાં 855 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આખા ફ્રાન્સમાં આશરે 5,50,000 લોકોએ
આવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હોવાનું સત્તાવાર કહેવામાં આવે છે, પણ આ વિરોધી દેખાવોના આયોજકોના કહેવા અનુસાર
આમાં આશરે આઠ લાખ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દેખાવોમાં એક શખ્સને હૃદયરોગનો હુમલો
આવતાં તેનું મૃત્યુ થયું હતું. હિંસક ઘટનાઓમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના 13 અધિકારી અને બે અગ્નિશામક દળના
કર્મચારી ઘવાયા હતા. બીજીતરફ, મોંઘવારી સામે ઈટાલીમાં વિરોધ પ્રદર્શનની જુવાળ
હિંસક બની ગઈ છે. મિલાન શહેરની સડકો ઉપર ઠેરઠેર હિંસક ઘટનાઓ ઘટી હતી. ઢાંકેલા ચહેરે
નીકળી પડેલા અનેક દેખાવકારોએ તોડફોડ અને લૂંટફાટ ચલાવી હતી. હિંસા વધતાં સુરક્ષાકર્મીઓ
દ્વારા પ્રદર્શનકારીઓ ઉપર અશ્રુવાયુનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. આનાથી ભડકેલા દેખાવકારોએ
પોલીસ તરફ પણ ચીજો ફેંકીને હુમલો કર્યો હતો. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 160 લોકોની ધરપકડ થઈ છે અને આમાંથી
80 જેટલા સગીર હતા. રવિવારે શરૂ
થયેલા આંદોલનમાં હિંસા શરૂ થઈ જતાં મામલો ગંભીર બની ગયો છે. આ પ્રદર્શન હવે મોંઘવારીના
મુદ્દાના બદલે તોફાની ઘટનાઓના કારણે વધુ ચર્ચામાં આવી ગયા છે.