ઈમ્ફાલ, તા. 19 : ત્રણ વર્ષ પહેલાં મણિપુરમાં
શરૂ થઈ હતી તે હિંસાની આગ થોડો સમય શમ્યા પછી બે દિવસથી બેકાબૂ બની છે. અજંપાગ્રસ્ત
રાજ્યમાં સોમવારે વધુ ત્રણ લોકોનાં મોત થતાં 24 કલાકમાં ચાર હત્યાથી હડકંપ મચી ગયો હતો. આજે સવારે લાકડાં કાપવા
ગયેલા લોકો પર ઉગ્રવાદી હુમલામાં ત્રણ મોત થયાં હતાં. ઘટનાથી નારાજ લોકોએ રાજધાની ઈમ્ફાલમાં
મુખ્યમંત્રી યુમનામ ખેમચંદસિંહના નિવાસસ્થાનની બહાર મૃતદેહો રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન
કર્યું હતું. નારાજ લોકો રોષભેર દેખાવ કરી મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર મૃતદેહો
છોડી ગયા હતા, જે પોલીસે હટાવ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમ્યાન રોષે ભરાયેલી ભીડને હટાવવા માટે પોલીસે અશ્રુવાયુ છોડયો હતો.
રાજ્યભરમાં લોકોમાં ભારે ગુસ્સાની લાગણી ફેલાઈ ગઈ હતી. ઈમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી
જિલ્લાઓની સીમા પાસે ઉગ્રવાદીઓના ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અન્ય ત્રણ
ઘાયલ થયા હતા, તો ત્રણ લોકો લાપતા બન્યા હતા. આ ઘટના કાંગપોકપીના ખોંગબાલ સુનુરોક ઉયોકમાં બની
હતી, જે ઈમ્ફાલ ઈસ્ટના નોંગશુમ ગામથી થોડા જ અંતરે સ્થિત છે.
આજે સવારે સાત વાગ્યે 16 જેટલા લોકો
જંગલમાં લાકડાં લેવા ગયા હતા. મૃતકોની ઓળખ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે
આ લોકો લાકડાં કાપી રહ્યા હતા તે વખતે સંદિગ્ધ ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ગુસ્સે
થયેલા લોકો મૃતદેહને રાજધાની ઈમ્ફાલ લઈ આવ્યા હતા અને બાબુયારા સ્થિત મુખ્યમંત્રી નિવાસ
પાસે મૃતદેહ મૂકીને ઉગ્ર દેખાવ કર્યા હતા. નારાજ લોકોએ 2023થી રાજ્યમાં ચાલી રહેલી હિંસાના
વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે આ દેખાવો વખતે મુખ્યમંત્રી હાજર હતા કે નહીં
તે જાણી શકાયું નથી. પોલીસે દેખાવકારોને હટાવવા માટે અશ્રુગેસના સેલ છોડયા હતા. તે
પછી મૃતદેહોને જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (જેએનઆઈએમએસ) લઈ જવાયા
હતા. મણિપુરમાં ત્રીજી મે, 2023ના મૈતેઈ અને કુકી સમુદાયો
વચ્ચે હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ રાજ્યભરમાં વ્યાપક જાન-માલનું નુકસાન થયું હતું.
હિંસામાં 260થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં
છે, તો 60 હજારથી વધુ લોકો બેઘર બન્યા હતા.