મુંબઈ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : બોલીવૂડના
સ્ટાર અને એક સમયના સુપરસ્ટાર જેકી શ્રોફના પુત્ર ટાઈગર પર આજે સાંજે જૂહુમાં મોટરસાઈકલ
પર આવેલા ત્રણ અજાણ્યા લોકેએ પાંચ રાઉન્ડ ગોળીબાર કરતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સદ્નસીબે
ટાઈગરને કોઈ ગોળી નથી વાગી, પણ તેના ડ્રાઈવર
અને એક ચાહકને ગોળી વાગતાં ખુદ ટાઈગર તેમને પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયો હતો. જૂહુ
પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે
આ ગોળીબારની ઘટના બની હતી. લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે હુમલો કરવાની જવાબદારી લેતાં સોશિયલ
મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં બોલીવૂડમાં
અમારી વાત નહીં સાંભળનારા અને સલમાન ખાન સાથે કામ કરનારાઓને અમે છોડીશું નહીં. એક શંકાસ્પદને
સાંતાક્રુઝમાંથી તાબામાં લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. - 15 ટીમ બનાવાઈ : રવિવારે સાંજે જૂહુમાં મોટી સંખ્યામાં લોકો
બહાર હોય છે, ત્યારે જ ટાઈગર શ્રોફને
નિશાન બનાવતા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અભિનેતાને કોઈ ઈજા નથી થઈ, પણ ગેન્ગસ્ટરોએ ફરી એકવાર બોલીવૂડના અભિનેતાને નિશાન બનાવ્યો હોવાથી મામલાની
ગંભીરતા સમજી મુંબઈ પોલીસે આરોપીઓને પકડવા માટે 15 ટીમ બનાવી હોવાનું ડેપ્યુટી
પોલીસ કમિશનર મોહિત ગર્ગે જણાવ્યું હતું. - ગેન્ગસ્ટરોને એમની ભાષામાં જવાબ અપાશે : ગોળીબારની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન
દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસના કમિશનર દેવેન ભારતી સાથે વાત કરી હતી, તો નાયબ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ
શિંદેએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, આ હુમલાની અમે નિંદા કરીએ
છીએ. ગેન્ગસ્ટરો મુંબઈ કે મહારાષ્ટ્રમાં મનમાની નહીં કરી શકે. ગોળીબાર કરનારાઓને તેમની
ભાષામાં જ જવાબ આપીશું. તમામ ગેન્ગનો પત્તો મેળવી તેમને ખતમ કરવા પોલીસને છૂટ છે. - બિશ્નોઈ ગેન્ગે લીધી જવાબદારી
: ટાઈગર શ્રોફ પર ગોળીબાર થવાના ગણતરીના સમયમાં
અનિલ પંડિત અનમોલ બિશ્નોઈ નામના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી
હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે `બધાને રામ રામ. આજે ટાઈગર શ્રોફ પર જે ગોળીબાર
થયો છે એની જવાબદારી હું અનિલ પંડિત અને હરમન સંધુ લઈએ છીએ. ટાઈગરને અમે ફોન કરીને
સમજાવ્યોં હતો, પણ તે સમજ્યો નહીં એટલે
આજે તેને સારી રીતે સમજાવી દેવાયો છે. તેને આ પહેલી અને છેલ્લી વોનૅંગ આપવામાં આવી
છે. બોલીવૂડમાં જે પણ મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે એ અમારી વાત નહીં સાંભળે કે સલમાન
ખાન સાથે કામ કરશે એમને મારી નાખીશું.' - કેવી રીતે થયે હુમલો? : અભિનેતા ટાઈગર
શ્રોફ આજે સાંજે સાતેક વાગ્યે જૂહુમાં ફૂટબોલ રમવા ગયો હતો તેનો આ નિત્યક્રમ છે. જૂહુમાં
પુષ્પા નર્સિંગ પાર્ક પરિસરમાં તેની કાર ઊભી હતી,
ત્યારે તેના ચાહકો તેને મળવા અને ફોટો લેવા માટે ઊભા હતા. આ સમયે મોટરસાઈકલ
પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ટાઈગરની કારને નિશાન બનાવી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો
હતો. આ હુમલામાં ટાઈગરને તો કંઈ નથી થયું, પણ તેના ડ્રાઈવર ફિરદોસ
અને ઓટોચાલક ચાહક ચવાણને ગોળી વાગી હતી.