નવી દિલ્હી, તા. 28 : ઈ-20 પેટ્રોલ
(20 ટકા ઇથેનોલ મિશ્રિત)ને મુદ્દે
ઓટોમોબાઇલ ક્ષેત્ર અને સરકાર વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સોસાયટી ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ
એસોસીએશન (એસઆઈએમએ)ના લીક થયેલા આંકડા અને ખાનગી સમાચાર સંસ્થાની તપાસમાં દેશનાં અનેક
રાજ્યોમાં ઈ-20 પેટ્રોલમાં
જોખમી સ્તરે ક્લોરાઇડ અને પાણીની ભેળસેળ જોવા મળી છે, જેના કારણે વાહનોનાં એન્જિન અને ફ્યુઅલ ઇન્જેક્ટર
વહેલાં ખરાબ થવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. વધતી ફરિયાદો અને કન્ઝ્યુમર કોર્ટના કડક
વલણ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે કડક પગલું ભરતાં ગુણવત્તાના ધોરણોની અવગણના કરનારા
દેશભરના 2,573 પેટ્રોલ પંપ
પર વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે. સરકાર
દેશવ્યાપી ક્વોલિટી-કંટ્રોલ ડ્રાઇવ અને ભૂગર્ભ ટાંકીની કડક તપાસ દ્વારા ગ્રીન એનર્જી
ટ્રાન્ઝિશનમાં ગ્રાહકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓટોકાર ઇન્ડિયાના
અહેવાલ મુજબ, સરકારની આ ક્વોલિટી કંટ્રોલ
ડ્રાઇવ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કાટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા મોટા પાયે કાર્યવાહી
કરવામાં આવી છે. સપ્લાય ચેઇનમાંથી પાણી અને અશુદ્ધિઓ દૂર કરવા માટે હવે ભૂગર્ભ ટાંકીનું
વોટર-ઇન્ગ્રેશ ટેસ્ટિંગ દિવસમાં 8થી 12 વખત ફરજિયાત
કરવામાં આવ્યું છે. આ નિયમ દેશભરના આશરે 88,995 ડીલર પર લાગુ કરવામાં આવ્યો છે. ઈ-20 પેટ્રોલ ફરજિયાત કરવામાં આવ્યા
બાદથી વાહનચાલકોને ઓછી માઇલેજ અને એન્જિન ખરાબ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો
છે.
સૌથી વધુ આઇઓસીના 1257 પંપ પર પાબંદી
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી)ના સૌથી વધુ 1,257 પંપ પર વેચાણ અટકાવવામાં આવ્યું
છે. ત્યારબાદ હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપી)ના 915 અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ના 401 પંપનો સમાવેશ થાય છે.