• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

દુબઇ 20 મિનિટમાં સાત વિસ્ફોટથી ધ્રૂજ્યું

નવી દિલ્હી, તા. 5 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને તણાવ વધાર્યો છે. એક અહેવાલ અનુસાર ઈરાની સેનાએ ત્રણ ડ્રોનથી અમેરિકી બેઝ ઉપર હુમલો કર્યો હતો. કુવૈત અને ઈરાકના બસરા પ્રાંતમાંથી પણ જોરદાર વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા હતા. દરમ્યાન યુએઈના મોટા શહેર દુબઈમાં જેબેલઅલી પોર્ટ ખાતે 20 મિનિટમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. હૂતિ ઉગ્રવાદીઓએ હુમલા કર્યા હોવાનું પણ મનાય છે. દુબઇમાં વિસ્ફોટ બાદ આગ લાગ્યાના વીડિયો વાયરલ થયા હતા. જો કે, આ સંદર્ભમાં સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી.  સ્થાનિક મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન યમન તરફથી યુએઈ ઉપર મિસાઈલ છોડવામાં આવી હતી. જો કે, અમીરાતી મીડિયા તરફથી ધડાકાના કારણો પાછળ વધુ કોઈ માહિતી આપી નહોતી તેમજ ઘટનાથી નુકસાન અંગેના અહેવાલ પણ સામે આવ્યા નહોતા. હુમલાના એક દિવસ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર દાવો કર્યો હતો કે, ઈરાન સાથે ફરીથી વાતચીત ચાલી રહી છે અને કોઈ પણ સમજૂતી સુધી પહોંચવાની છેલ્લી તક છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, કતર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતના અનુરોધ ઉપર અમેરિકાએ નવા હુમલા રોક્યા છે. જો કે, ઈરાને તમામ દાવા નકારી દીધા હતા અને પછી અમેરિકી બેઝને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

Panchang

dd