નવી દિલ્હી, તા. 25 : પાસપોર્ટ
નાગરિકતાનો પુરાવો નથી, પણ મુસાફરી
દસ્તાવેજ છે, તેવું જાહેર કર્યાના એક દિવસ પછી વિદેશ મંત્રાલયે
વિવિધ શ્રેણીઓમાં પાસપોર્ટ ફીમાં વધારો કર્યો છે, જ્યારે નવા
પાસપોર્ટ માટેની ફી હવે 1,500 રૂપિયાથી
વધારીને 2,500 રૂપિયા કરી છે, તત્કાલ પાસપોર્ટની કિંમત 6,000 રૂપિયા સુધી છે. નવા નિયમો
1 જુલાઈ,
2026થી અમલમાં આવતાં વિદેશયાત્રા
મોંઘી બની છે. ગુરુવારે વિદેશ મંત્રાલય દ્વારા પ્રકાશિત એક જાહેરનામાં અનુસાર, 36 પાનાવાળા
સામાન્ય નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલા પાસપોર્ટ માટે સામાન્ય ફી 2,500 રૂપિયા હશે, જ્યારે તત્કાલ માટે તે જ શ્રેણી માટે 5,000 રૂપિયા હશે. હાલમાં, સામાન્ય નવા પાસપોર્ટ અથવા 36 પાનાવાળા પાસપોર્ટના પુન:જારી માટે અરજી ફી 1,500 રૂપિયા છે અને તત્કાલ માટે
તે જ શ્રેણી માટે 3,500 રૂપિયા છે. તેવી જ રીતે,
સામાન્ય નવા પાસપોર્ટ અથવા 60 પાનાં ધરાવતા પાસપોર્ટના પુન:જારી માટે અરજી ફી 2,000 રૂપિયાથી વધારીને 3,500 રૂપિયા કરવામાં આવી છે અને
તત્કાલ માટે સુધારેલી ફી 6,000 રૂપિયા હશે, જે સમાન શ્રેણી માટે 4,000 રૂપિયા હતી.