• શુક્રવાર, 26 જૂન, 2026

દિવાળી સુધી પ્રાંથળના ખેતરોમાં નર્મદાનાં નીર પહોંચશે

રાપર, તા. 25 : વાગડના પાણીથી વંચિત પ્રાંથળ વિસ્તારમાં દિવાળી સુધીમાં નર્મદાનાં વધારાનાં પાણીની  યોજના શરૂ થઈ જતાં ખેતરે ખેતરે નર્મદાનાં નીર પહોંચશે, તો ભીમાસરથી ભચાઉ સુધીના કમાન્ડ એરિયામાં ન આવતાં  ગામોને પણ ટૂંક સમયમાં જ નર્મદાનાં નીર મળશે એવો સૂર વાગડના અગ્રણીઓએ જાટાવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ અને 3.75 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. - સરાણ યોજના દિવાળી પહેલાં : જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યના સક્રિય પ્રયાસોથી સરાણ જળાશય યોજના દિવાળી પહેલાં કાર્યરત થઈ જશે, તો જિલારવાંઢનો રોડ, જાટાવાડા ડેમનું કામ, 42 ગામને નર્મદાનાં નીર પહોંચાડવાનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરાણ યોજના દિવાળી સુધીમાં શરૂ થઈ જતાં પ્રાંથળના દરેક ખેતરને નર્મદાનું મળશે. મૂળ જાટાવાડાના અને ગળપાદરમાં અભ્યાસ કરીને શિક્ષણ વિભાગના નાયબ સચિવ બનેલા જયદેવસિંહ વાઘેલાએ પ્રાંથળના વિકાસની સરાહના કરી ભૂલકાંઓને શુભેચ્છા પાઠવી હતી. - જાટાવાડામાં લોકાર્પણ : રાપર તાલુકાના જાટાવાડા ખાતે 25 લાખના ખર્ચે નવું પંચાયતઘર, 110 લાખના ખર્ચે કુમારશાળાના છ ઓરડા અને 159 લાખના ખર્ચે જાટાવાડા નાની સિંચાઈ યોજના નંબર-2ના રિસ્ટોરેશનના ખાતમુહૂર્ત તથા રૂપિયા 81 લાખના ખર્ચે નિર્મિત કન્યાશાળાનું લોકાર્પણ  કરાયું હતું. જાટાવાડાની પ્રાથમિક શિક્ષિકા હેતલબેન ચૌહાણે શાબ્દિક આવકાર આપ્યો હતો. સંચાલન મોરારદાન ગઢવીએ અને આભારદર્શન સરપંચ પ્રતિનિધિ હરેશભાઈએ કર્યું હતું. - ધારાસભ્યે બાળકોને પ્રવેશ કરાવ્યો : આ કાર્યક્રમ પૂર્વે ધારાસભ્ય દ્વારા ભીમાસર (ભુ.)ની પ્રાથમિક શાળાનાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ગ્રામજનો અને ભીમાસર એસએમસી પરિવાર દ્વારા ભીમાસરમાં શિક્ષણ ક્ષેત્રે ધારાસભ્યનાં 50 કરોડનાં વિકાસકામો કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. - અગ્રણીઓની ઉપસ્થિતિ  : આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઢીલા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ઉપપ્રમુખ લગધીરભાઈ રબારી, જિલ્લા પંચાયતના સદસ્યો જયદીપાસિંહ જાડેજા, સુરેશભાઈ મકવાણા, સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી, કુંભાભાઈ શેલોત, રતનભાઈ ગોહિલ, માયાભાઈ ધેયડા, મોહનભાઈ બારડ, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા, જાટાવાડાના પૂર્વ સરપંચ હકુભા વાઘેલા, વિનુભાઈ થાનકી, બીઆરસી કો-ઓર્ડિનેટર મેહુલ દવે, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અને શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા ભૂલકાંઓને શાળામાં પ્રવેશ આપી કિટ આપવામાં આવી હતી. શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

Panchang

dd