• શુક્રવાર, 26 જૂન, 2026

અપમૃત્યુના બનાવોમાં પાંચ જિંદગી પર પડદો પડયો

ભુજ/ગાંધીધામ, તા. 25 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના જુદા જુદા બનાવોમાં પાંચ જિંદગી પર પડદો પડયો હતો. માંડવીના દેવપર-ગઢમાં માનસિક રીતે અસ્વસ્થ 28 વર્ષીય યુવાન જગદીશ બાબુ મહેશ્વરીએ અને ભચાઉના આધોઇ વાડીવિસ્તારમાં 24 વર્ષીય પરિણીતા રસીલા મનજી બાલવાનીએ ઝેરી દવા પી પોતાના આયખા ટૂંકાવી લીધા હતા. ગાંધીધામમાં 22 વર્ષીય યુવક વિજય દામજી નિઝાર અને ભુજ સમીપેના માધાપરમાં 28 વર્ષીય યુવાન દિલીપ હરેશ ભીલે ગળેફાંસો ખાઇ જીવ દીધા હતા, જ્યારે ખાવડા બાજુના કાળા ડુંગરની સીમમાં મૂળ પશ્ચિમ બંગાળના માનસિક અસ્વસ્થ એવા 25 વર્ષીય યુવાન સંદીપ શંકર સરકારનું કંકાલ મળતાં પોલીસ દોડતી થઇ હતી. માંડવી તાલુકાના દેવપર-ગઢ ગામે રહેતા જગદીશ મહેશ્વરી નાનપણથી જ માનસિક રીતે અસ્વસ્થ હતા. આમ તેની આ બીમારીથી કંટાળીને ગત તા. 19/6ના બપોરે દેવપર-ગઢના વાડીવિસ્તારમાં પાકમાં નાખવાની દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે ગઢશીશા પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. બીજીતરફ આધોઇના કાંકરિયા વાડીવિસ્તારમાં રહેનાર રસીલાબેન નામના પરિણીતાએ ગત તા. 11/6ના અંતિમ પગલું ભરી લીધું હતું. 15 દિવસથી અહીં રહેવા આવેલા આ મહિલાના 10 વર્ષના દાંપત્ય જીવનમાં બે સંતાનોની પ્રાપ્તિ થઇ હતી. તેમના પતિ સાથે સાસરિયામાં બોલાચાલી થતાં આ મહિલાએ જંતુનાશક દવા પી લીધી હોવાનું પોલીસ મથકે કરાયેલી નોંધમાં જણાવાયું હતું. તેમને પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ ગઇકાલે છેલ્લા શ્વાસ લીધા હતા. દરમ્યાન ગાંધીધામના મહેશ્વરી નગરમાં મકાન નંબર 176માં રહેનાર વિજય નામનો યુવાન ગઇકાલે પોતાના ઘરે હતો. દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે છતના હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત માધાપરના રામનગરીમાં રહેતા યુવાન દિલીપ ભીલે પણ આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે કપડાંના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. વધુમાં ખાવડા બાજુમાં કાળા ડુંગર સીમ વિસ્તસારમાં સારણ નદીના વોકળામાં કુરન સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનું કંકાલ મળતાં પોલીસની દોડાધામ વધી હતી. બે-ત્રણ હાડકાં તથા પેન્ટ-શર્ટવાળું કંકાલ મળતાં ઓળખ અંગે છાનબીન કરતાં આ કંકાલ સંદીપ શંકર સરકાર (ઉ.વ. 35, રહે. મૂળ પશ્ચિમ બંગાળવાળો) હોવાનું સામે આવ્યું હતું. સંદીપ માનસિક રીતે અસ્વસ્થ હોઇ ગત તા. 26/5ના પોતાની રીતે જંગલ (ડુંગર) વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. ભૂખ-તરસ કે કોઇ અગમ્ય કારણે ગત તા. 26/5થી 18/6 દરમ્યાન કોઇ પણ સમયે તેનું મૃત્યુ થયું હતું. ગઇકાલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd