ગાંધીધામ, તા. 25 : આદિપુરના વોર્ડ-પાંચમાં કૃષ્ણનગરમાં
આવેલા એક બંધ મકાનમાંથી 6.40 લાખની ચોરીનો
ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સો પાસેથી પિસ્તોલ, કારતૂસ સહિત રૂા. 8,62,375નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ બન્નેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આદિપુરની સ્થાનિક પોલીસ જુમાપીર ફાટક બાજુ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન
ગળપાદર ધોરીમાર્ગથી જુમાપીર ફાટક બાજુ આવતી પલ્સર બાઈકમાં સવાર શખ્સો ચોરીનો સામાન
લઈને જતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાઈક આવતાં પોલીસે
તેને અટકાવી હતી. બાઈકમાં સવાર મૂળ સાંતલપુર તથા આંબાવાડીના જગદીશ જીવા રાઠોડ તથા વસંત
રમેશ વારૈયા (દેવીપૂજક)ની તપાસ કરતાં પિસ્તોલ મળી આવી હતી તથા બે થેલાઓમાં જુદી-જુદી
વસ્તુઓ મળી હતી. બંનેની વધુ પૂછપરછ કરાતાં પિસ્તોલ એકાદ મહિના પહેલાં આદિપુરના રામબાગ
રોડ ઉપર અંજાર તરફ જતાં છેલ્લા સર્કલની બાજુમાં આવેલ હવેલી જેવા ઘરમાંથી ચોરી કરી હોવાની
કેફિયત આપી હતી. બંને પાસે રહેલા થેલામાંથી મોંઘા પ્રકારની 32 જેટલી મોંઘી ઘડિયાળ, 11 જેટલા જુદા-જુદા
મોબાઈલ, બે આઈપેડ, ત્રણ જેટલા
લેપટોપ, કાળા, સફેદ પટ્ટાવાળો થેલો,
કેમેરા, લેપટોપ ચાર્જર, ચાંદીના
નાના-મોટા સિક્કા નંગ-12, ગળામાં પહેરવાની
ચાંદીની ચેઈન અને બે પારા, કાનમાં પહેરવાના પીળા રંગના ધાતુના
મોતી, ચાંદીનું પેન્ડલ, ચાંદીની બુટી,
સોનાંની બુટી, ચાંદીનો રથ, બે ઘોડા, નાવ, ચાંદીની પાયલ,
ચાંદીની લગડી, ચાંદીના ત્રણ સિક્કા, વીંટી, પિસ્તલો કવર વગેરે મળીને કુલ રૂા. 8,62,335નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો. પકડાયેલા આ બંને શખ્સો પાસેથી એક પિસ્તોલ, 22 કેલિબરના
જીવતા કારતૂસ નંગ-15, 32 કેલિબરના
જીવતા કારતૂસ નંગ-11 જપ્ત કરાયા
હતા. આ બંને સામે આર્મ્સ એક્ટની કલમો તળે ગુનો નોંધાયો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ
પૈકીનો અમુક સામાન આદિપુરના વોર્ડ પાંચ-એ કૃષ્ણનગરમાં દુબઈ ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી કરી હોવાનું બહાર
આવ્યું હતું. બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના ત્રણ દિવસના રિમાન્ડ
મંજૂર થયા હતા. તેમની સાથેના ત્રીજા શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કાર્યવાહીમાં પી.આઈ. એમ.સી. વાડા સાથે સ્ટાફ જોડાયો હતો.