• શુક્રવાર, 26 જૂન, 2026

લીલા ઘાસચારાની તંગીથી પશુપાલકો-ગૌશાળા સંચાલકો પરેશાન

ભુજ, તા. 25 : યુદ્ધનાં કારણે ડીઝલના ભાવ વધ્યા, મજૂરી વધી તેથી લીલા ઘાસચારાના ભાવ બજારમાં વધતા જોવા મળે છે. વધતા ભાવમાં પણ માલ પૂરતો ઉપલબ્ધ ન હોવાથી માલધારી અને ગૌશાળા સંચાલકો પરેશાન થઈ રહ્યાનું ચિત્ર સામે દેખાઈ રહ્યું છે. પંદર દિવસ પહેલાં રૂા. 120માં મળતી જુવાર અત્યારે રૂા. 200ના મણે વેચાઈ રહી છે, જ્યારે રજકો પણ એક સમયે રૂા. 40માં પૂળો મળતો, જે રૂા. 60થી રૂા. 70માં વેચાય છે. સસ્તી મળતી બાજરી પણ મોંઘી થઈ ગઈ છે. બજારમાં વધેલા ભાર વિશે પૂછા કરતાં વેપારી નિખિલ પેથાણી અને ભચુભાએ કહ્યું કે, કચ્છમાં વાવેતર કરાયેલ લીલાચારો હવે પૂરો થવા આવ્યો છે. વળી અધિક માસ હોવાથી લોકોના દાન-પુણ્યના કારણે વપરાશ પણ વધી ગયો હતો. અમદાવાદ, ઉત્તર ગુજરાત બાજુથી આવતો માલ અત્યારે ત્યાં મજૂરોની અછતનાં કારણે આવતો નથી. વરસાદ પણ હવામાન ખાતાની આગાહી અનુસાર ખેંચાઈ જવાની વાત પણ ભાવવધારા માટે નિમિત્ત બની છે. ઘણી વાડીઓએ થોડોઘણો માલ છે તે પોતાના પશુઓ માટે અનામત રાખ્યો છે. ગૌશાળા સંચાલકો કહે છે કે, મોં માગ્યા ભાવ આપવા છતાં માલ જેટલો જોઈએ તેટલો મળતો નથી. હજારોની સંખ્યામાં અબોલ જીવોને ખવડાવવાની ચિંતા થવા માંડી છે. સયમસર વરસાદ આવી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો વરસાદ નહીં થાય તો સમય કપરો થવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. 

Panchang

dd