ભુજ, તા. 25 : જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાં
ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે અગાઉ ખુદ પ્રમુખે મુખ્યમંત્રી સુધી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ
કરી હતી, તેમ છતાં આ શાખાના અધિકારીઓ સુધરતા ન હોય તેમ
ફરી આ શાખામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે અને નાની સિંચાઈ યોજના હેઠળના ડેમો ચોકીદારી,
પાણીના લેવલની વધઘટ સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી
કંપની મારફતે રાખવાના કર્મચારીઓ રાખ્યા વિના ખોટાં બિલો બનાવી ચૂકવણાં કરાયાં હોવાનો
ગંભીર આક્ષેપ ઊઠી રહ્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત
વિગતો મુજબ કચ્છમાં નાની સિંચાઈના 170 ડેમ આવેલા છે. આ ડેમો પર અગાઉ વર્ગ-4ના સરકારી કર્મચારીઓ ફરજ બજાવતા હતા, જેઓ ચોમાસાં દરમ્યાન પાણીના લેવલની થતી વધઘટ,
ચોકીદારી સહિતની કામગીરી બજાવતા હતા, પરંતુ ધીમેધીમે
આવા કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ સરકારે આ કેડરની ભરતી બંધ કરી ખાનગી એજન્સી મારફતે મેનપાવરની
સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં જે-તે સબ ડિવિઝન મારફતે ટેન્ડર
પ્રક્રિયા દ્વારા એજન્સીઓ નક્કી કરી આવા કર્મચારીની અમુક સમયમર્યાદા માટે ભરતી કરવામાં
આવે છે. કચ્છમાં જિલ્લા પંચાયત સિંચાઈ શાખાના ભુજ, અંજાર,
નખત્રાણા, માંડવી, રાપર અને
અબડાસા એમ કુલ છ સબ ડિવિઝન આવેલા છે. આ સબ ડિવિઝનમાં સ્થાનિક લેવલના અધિકારીઓ દ્વારા
ટેન્ડર પ્રક્રિયા દ્વારા એજન્સીઓ નક્કી કરી આવા કર્મચારીઓના એજન્સીઓને ચૂકવણાં માટેનાં
બિલો મોકલવામાં આવતાં હોય છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેટલાક સબ ડિવિઝનમાં
આવા કર્મચારીને રાખ્યા વિના લાખોનાં ખોટાં બિલો બનાવી ચાંઉ કરી જવાયા હોવાનો ગંભીર
આક્ષેપ થઈ રહ્યો છે. આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેકના પગ નીચે રેલો આવે તેવું
જાણકારો બતાવી રહ્યા છે. વધુમાં અંજાર સબ ડિવિઝનમાં અંજાર-ભચાઉ તથા મુંદરા તાલુકા કુલ-19 નાની સિંચાઈ યોજનાના ડેમો આવેલા
છે, જેમાંથી માત્ર નવ ડેમમાંથી સિંચાઈ થાય છે. જ્યાં
ખરેખર મેનપાવરની જરૂર હોય છે અને આ તમામ ડેમો વચ્ચે એક જ સરકારી કર્મચારી છે તેમ છતાં
આ તમામ ડેમ પર કયાંય કર્મચારી રખાયા નથી, ત્યારે આ ચૂકવણું કયારે,
કોને અને કેવી રીતે થયું તે પણ તપાસનો વિષય છે. જાણકારોના જણાવ્યા અનુસાર
અગાઉ આ બિલો રજૂ કરાયાં હતાં, પરંતુ અગાઉના ચૂંટાયેલા સભ્યોને
ખોટું થતું હોવાની ગંધ આવી જતાં વિરોધ કરાયો હતો. તે દરમ્યાન અગાઉના સદસ્યોની મુદ્દત
પૂર્ણ થતાં નવી બોડીને ચાર્જ મળે તે પહેલાંના વચ્ચેના સમયગાળામાં ચુપચાપ આ ચૂકવણાં
કરી દેવાયાં છે. જો ખરેખર આ પેમેન્ટ થયેલ હોય
તો કેના દ્વારા આ ચૂકવણું કરવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે, જે બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરાય અને જો ખરેખર ખોટી રીતે ચૂકવણું થયું
હોય તો તેની યોગ્ય તપાસ કરી ખોટું સાબિત થાય તો તેવા તમામ કસૂરદારો સામે યોગ્ય કાર્યવાહી
થવી જોઈએ તેવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. દરમ્યાન આ અંગે જિલ્લા પંચાયત સિંચાઈ શાખાના
કાર્યપાલક ઈજનેર એસ. ટી. ચૌધરીનો સંપર્ક સાધતાં તેમણે આવી બાબતથી અજાણ હોવાનું જણાવી
ક્યાંય ખોટું થયું હશે તો તેના સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારી હતી. બીજી
તરફ ગત ટર્મના પદાધિકારીઓની છેલ્લી મળેલી કારોબારી સમિતિની બેઠકમાં કચ્છના નાની સિંચાઈના
ડેમો પર સિંચાઈ વિભાગ દ્વારા અપાતા ખેતીના પાકોને સિંચાઈનાં પાણીની વિતરણ વ્યવસ્થા
માટે મેનપાવરની ખાસ જરૂરત હોતાં દરેક ડેમ પર એક ટેમ્પરરી માણસ રાખવાની વ્યવસ્થા કરવાનું
સૂચન કરાયું હતું, પરંતુ તે બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં
પાણીનાં વિતરણની વ્યવસ્થા ખેડૂતોએ પોતે જ એમની રીતે કરી લીધી હતી.