કારાકાસ, તા. 25 : વેનેઝુએલામાં બુધવારે સાંજે
માત્ર 40 સેકન્ડના ગાળામાં સાતથી વધુની
તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે દેશના અનેક વિસ્તારને ખેદાનમેદાન કરી નાખ્યા હતા. ધરતીકંપનાં
કારણે ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી હતી અને ચારે તરફ બિહામણાં દૃશ્યો
સર્જાયાં હતાં. આ આફતમાં 164નાં મૃત્યુ
થયાં હતાં અને 971 જેટલાને ઈજા પહોંચી હતી. વધુમાં
સેંકડો લોકો લાપતા થયા હતા. યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ દસેક હજાર
મોતની ભીતિ દર્શાવી છે. વેનેઝુએલાના કારાકાસ સહિતનાં મોટા શહેરોમાં તબાહી મચાવી હતી.
પહેલો ભૂકંપ 7.1ની તીવ્રતાનો હતો, જેની અમુક સેકન્ડમાં જ 7.5ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ
નોંધાયો હતો, જે વેનેઝુએલાના ઈતિહાસમાં
છેલ્લાં 126 વર્ષનો શક્તિશાળી
ભૂકંપ હતો. ઈમારતોના કાટમાળમાંથી લોકોને બચાવવા માટે સેના સહિતની ટીમોએ યુદ્ધનાં ધોરણે
રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું તેમજ દુનિયાભરમાંથી બચાવ ટીમોને રવાના કરવામાં આવી
હતી. આ ઉપરાંત ઘણા દેશોએ વેનેઝુએલાને દરેક સંભવ મદદની તૈયારી બતાવી હતી. વેનેઝુએલામાં
સ્થાનિક સમય અનુસાર સાંજે 4.04 વાગ્યે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરોનના પશ્ચિમમાં મોંટાલબાન પાસે 13 કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપની
અમુક સેકન્ડમાં જ ફરીથી મોંટાલબાન પાસે 7.5ની તીવ્રતાનો બીજો અને પહેલાથી વધારે શક્તિશાળી ભૂકંપ આવ્યો
હતો. આ ભૂકંપની અસર એટલી હદે વ્યાપક હતી કે, તેનો અનુભવ પાડોસી દેશ કોલંબિયામાં પણ થયો હતો. ભૂકંપનાં કારણે રાજધાની કારાકાસ
અને અન્ય મોટાં શહેરોમાં ભારે દહેશત ફેલાઈ હતી. લોકો જીવ બચાવવા માટે સડક અને ખુલ્લી
જગ્યા તરફ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન અલ્તમિરા વિસ્તારમાં 22 માળની ઈમારત જમીનદોસ્ત થઈ હતી.
લોકો કાટમાળ ઉપર ચડીને પોતાના પરિજનોને શોધી રહ્યા હતા. સૌથી વધારે નુકસાન કારાકસમાં
જ જોવા મળ્યું હતું, જેમાં ગગનચુંબી
ઈમારતો ધ્રૂજવા લાગી હતી અને જોખમી સ્થિતિ બની હતી. વિનાશકારી ભૂકંપ બાદ દેશમાં અફરાતફરીનો
માહોલ બન્યો હતો. આવી સ્થિતિ વચ્ચે કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે દેશને સંબોધનમાં
નેશનલ ઈમર્જન્સીનું એલાન કર્યું હતું. દેશના તમામ તબીબો, નર્સ
અને સ્વાસ્થ્ય કર્મચારીઓને નાજૂક સ્થિતિમાં કામ ઉપર પરત ફરવા હાથ જોડીને અપીલ કરી હતી.
આ ઉપરાંત તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરીને ત્યાં રાહત છાવણીઓ બનાવવાની
કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને સાવધાની રાખવા તેમજ મેદાન અને ખુલ્લા
વિસ્તારમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. ભૂકંપ બાદ દેશની રાજધાની કારાકાસ અને અન્ય
વિસ્તારોમાંથી તબાહીનાં દૃશ્યો સોશિયલ મીડિયા ઉપર પણ સામે આવ્યાં હતાં, જેમાં ચારેતરફ વેરાન અને કાટમાળ બનેલી ઈમારતો જોવા મળી હતી. ભૂકંપ બાદ અમેરિકી
તપાસ એજન્સી યુએસજીએસએ આશંકા વ્યક્ત કરી હતી કે, ભીષણ આફતમાં
10,000થી લઈને એક લાખ લોકો પોતાનો
જીવ ગુમાવી શકે છે, જેના કારણે
વેનેઝુએલા તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વેનેઝુએલાની નાજૂક સ્થિતિને ધ્યાને રાખીને ભારત,
અમેરિકા, ડોમિનિક રિપબ્લિક, અલ સલ્વાડોલર, મેક્સિકો અને કતરે રેસ્ક્યૂ ટીમો મોકલવાની
ઘોષણા કરી હતી. આ ઉપરાંત ચીન, બ્રાઝિલ અને ઘણા કેરેબિયન દેશોએ
માનવીય સહાયતાનો પ્રસ્તાવ આપ્યો હતો.