અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ
એરપોર્ટ પર એવિએશન સેફ્ટી મુદ્દે બેદરકારીના બનાવમાં એરપોર્ટના સિંગલ રનવે પર ટેક-ઓફ
અને લેન્ડિગની વ્યસ્ત પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનો એક જ ટ્રેક (રનવે) પર
બિલકુલ સામસામે આવી ગયા હતા. જેના કારણે એરપોર્ટ કંટ્રોલ રૂમ અને બંને વિમાનના કોકપીટમાં
બેઠેલા ક્રૂ મેમ્બર્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે દુર્ઘટના ટળી હતી.સત્તાવાર
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ રનવે પર પોતાની
નિયત પ્રક્રિયામાં હતી, તે જ સમયે એર ઇન્ડિયાની ફ્લાઇટને એપ્રન
તરફથી રનવે પર આવવા માટે ગ્રાઉન્ડ સિગ્નલ અપાયું હતું. જોકે, એર ઇન્ડિયાના પાઇલટે સિગ્નલ અને માર્કિંગ સમજવામાં થાપ ખાધી હતી અને વિમાનને
નિર્ધારિત રૂટના બદલે રોંગ ટર્ન (ખોટો વળાંક) આપીને સીધું સામેથી આવી રહેલી ઇન્ડિગો
ફ્લાઇટની લાઈનમાં લાવી દીધું હતું. બંને પ્લેનની સ્પીડ કંટ્રોલમાં હોવાથી અને તેમની
વચ્ચે આશરે 200 મીટરનું અંતર
બાકી હતું ત્યારે જ જમીન પર હાજર એન્જાનિયરો અને રડાર મોનિટારિંગ સિસ્ટમ સક્રિય થઈ
ગઈ હતી.