• ગુરુવાર, 25 જૂન, 2026

શસ્ત્ર નહીં, પણ વૈશ્વિક ઈંધણ સ્થિરતાનું કેન્દ્ર બને હોર્મુઝ ખાડી

અમેરિકા અને ઈરાન વચ્ચે જંગની સમાપ્તિના કરારને નક્કર સ્વરૂપ આપવાનો કરાર વાટાઘાટોમાં-જીદમાં અટવાયો છે.  આખી દુનિયાનાં અર્થતંત્રને અનિશ્ચિતાના તાંતણે લટકાવી મૂકનાર આ જંગમાં ખાડી દેશોના ક્રૂડતેલના પુરવઠા માટે ચાવીરૂપ રહેલા હોર્મુઝ   સ્ટ્રેટના વિસ્તારનો એક શત્ર તરીકે થયેલો ઉપયોગ ઈંધણના ભાવોને ભડકે બાળી રહ્યો હતો. એક તરફ તો આ શાંતિ કરારને વધુ અમલી સ્વરૂપ આપવા મથામણ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ આ વ્યૂહાત્મક હોર્મુઝ સમુદ્રધુનીનો હથિયાર તરીકે ઉપયોગ કરવાના અમેરિકા અને ઈરાન બન્નેના ઈરાદાએ દુનિયાના દેશોના શ્વાસ અદ્ધર રાખ્યા છે. અમેરિકા અને ઈરાન બન્ને આ સમુદ્ર માર્ગને પોતાના નિયંત્રણમાં રાખવા માગે છે. શાંતિ સમજૂતી જાહેર થઈ તે પછી વાટાઘાટોના વિલંબ અને ઈઝરાયલના લેબેનોન પરના હુમલાથી ધુંઆપુંઆ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી નાખવાની જાહેરાત કરતાં સ્વિત્ઝર્લેન્ડમાં મંત્રણા ગોઠાવાઈ, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાં ટોલ વસૂલવાનો ઈરાદો જાહેર કરીને ક્રૂડના પરિવહનમાં વધારાનો બોજો આવે એવી ભીતિ સર્જી છે. સ્વાભાવિક છે કે, આરબ અને ખાડી દેશોના ક્રૂડતેલના જથ્થાને એશિયા, યુરોપ અને દુનિયાના સંખ્યાબંધ દેશોમાં હોર્મુઝના આ સાંકડા જળમાર્ગ વાટે પહોંચાડાય છે. આ ચાવીરૂપ માર્ગને લશ્કરી રીતે બંધ કરવાના કે ટોલ ઉઘરાવવાનાં પગલાંથી દુનિયામાં ઈંધણના પુરવઠા અને ભાવો પર અવળી અસર પડે છે. સરવાળે વિશ્વનાં અર્થતંત્ર પર તેની અવળી અસર પડે છે. ઈરાન જો આ માર્ગ બંધ કરે અથવા અમેરિકા તેના ખાડી યુદ્ધના ખર્ચની વસૂલાતનાં નામે ટોલ ઉઘરાવવાનું પગલું લે તો તેનાથી વૈશ્વિક કાયદા અને હિતોનું ઉલ્લંઘન બની રહેશે.  ખરેખર તો આવો કોઈ પણ સમુદ્ર માર્ગ મોટાભાગે કોઈ દેશની માલિકીનો નથી હોતો અને તેનાં સંચાલનમાં વૈશ્વિક નિયમો લાગુ પડતા રહ્યા છે. ઈરાન અને અમેરિકાના જંગ અગાઉ હોર્મુઝના મામલામાં પણ આવી જ સ્થિતિ હતી. હવે હાલત એવી છે કે, હોર્મુઝને અમેરિકા અને ઈરાન એકમેક પર દબાણ ઊભું કરવા એક શત્ર તરીકે ઉપયોગ કરતા થયા છે. આ ચાવીરૂપ જળમાર્ગ અંગે સતત તોળાતી અનિશ્ચિતા દુનિયામાં ઈંધણ કટોકટી ઊભી કરી રહી છે. આ સ્થિતિ ક્રૂડતેલ ઉત્પાદક ખાડી દેશોની થઈ રહી છે. તેમનાં અર્થતંત્રની ઉપર અવળી અસર પડી રહી છે અને જંગને લીધે નુકસાન પામેલા તેલ અને ગેસનાં માળખાંને ફરી બેઠા કરવા મસમોટો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. આમાંથી બહાર આવવા તેમની માટે ક્રૂડ અને ગેસનાં ઉત્પાદનો કોઈ અંતરાય વગર વિશ્વભરના ખરીદદાર દેશો સુધી પહોંચે એ અનિવાર્ય છે. ખરેખર તો હોર્મુઝને તાકાત પ્રદર્શનના અખાડા તરીકે વિકસાવવાને બદલે ઈંધણ અને અર્થતંત્રની સ્થિરતાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં ઈરાન અને અમેરિકા સાથે મળીને વિચારે તો વિશ્વની ઈંધણના મામલે સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિની આકાંક્ષાઓ ફળીભૂત થઈ શકે. 

Panchang

dd