• શુક્રવાર, 26 જૂન, 2026

મૃત માછલીના નિકાલ માટે યંત્રો કામે લાગ્યાં

નિરોણા (પાવરપટ્ટી), તા. 25 : ઢંઢમાં છેલ્લા ત્રણેક દિવસ અગાઉ પ્રતિકૂળ પરિબળોને લઇ મોટી સંખ્યામાં મૃત માછલીઓના નિકાલ અને ઢંઢના કિનારાની સફાઇ મજૂરો દ્વારા અશક્ય બન્યા પછી આજે બપોરથી વન વિભાગે મોટાં યંત્રો દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. ચોમાસા પૂર્વે છારીઢંઢમાં પાણીનું સ્તર ઘટયા પછી ભારે તાપમાન ને છીછરું પાણી ભારે ગરમ થતાં તેમાં વિચરતી લાખો માછલીઓ તરફડીને ત્રણેક દિવસ અગાઉ મૃત્યુ પામી હતી. ખુલ્લા રણ વિસ્તારમાં વા'તા ભારે પવનને લઇ મૃત માછલીઓ પાણીની લહેરો સાથે તણાઇ ઢંઢના પૂર્વીય અને ઉત્તરીય કિનારા પર મોટા ગંજમાં ખડકાઇ છે. લગભગ 80 ચો.કિ.મી.ના વિશાળા વિસ્તારમાં પથરાયેલા ઢંઢના પૂર્વીય તટીય પ્રદેશ પર મૃત્યુ પામેલી માછલીનાં કારણે દુર્ગંધથી કિનારા પર ઊભવું મુશ્કેલ બન્યું હતું. ઢંઢમાં મોટી માત્રામાં માછલીઓનો જથ્થો એકત્ર થયા પછી તેના નિકાલ અને કિનારાને સાફ કરવા અતિ જરૂરી હોઇ આજે સવારે વન વિભાગે ફુલાય ગામમાંથી કેટલાક મજૂરોને બોલાવ્યા હતા, પરંતુ ભારે દુર્ગંધને લઇ કિનારા પર ઊભવું મુશ્કેલરૂપ હોઇ સફાઇ માટે આવેલા આ મજૂરો સફાઇ કામગીરીની ના પાડી દીધી હતી. મજૂરોના કહેવા પ્રમાણે ભારે ગંદકી અને દુર્ગંધ વચ્ચે કામગીરી સ્વાસ્થ્ય માટે ભારે જોખમી છે. વન વિભાગે હિટાચી જેવાં યંત્રોને કામે લગડયાં હતાં. હાલ ઢંઢમાં જળસ્તર ઘટયા પછી હિટાચી જેવા યંત્રો દ્વારા પક્ષીઓને બેસવા માટે માટીના થલા (ટેકરા) બનાવવાની કામગીરી ચાલુ છે. દરમ્યાન મૃત માછલીઓથી કિનારાઓ ઊભરાવા લાગતાં તેના નિકાલ અને સફાઇ માટે આ યંત્રો કામે લગાડવામાં આવ્યાં છે. રેન્જ ફોરેસ્ટર વી. સી. મોદીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર દિલીપસિંહ પઢિયાર આ કામગીરી કરાવી રહ્યા છે. ઢંઢની શોભા ગણાતા સુરખાબ પક્ષીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. હાલ ઢંઢમાં મોજૂદ જળસ્તર વચ્ચે ગુલાબી પંખધારી સુરખાબના મોટાં ટોળાં મોજ-મસ્તી સાથે છીછરાં પાણીમાં વિચરતા નજરે ચડયાં હતાં. બીજીબાજુ ફુલાય ગામના મજૂરોના જણાવ્યા મુજબ છારીમાં મુખ્યત્વે રહુમરગલ અને મગુર પ્રકારની માછલીઓ જોવા મળે છે. આ માછલીઓ કૂંઢી (ગલ)થી પકડવી મુશ્કેલ હોઇ જાળી દ્વારા જ શક્ય બને છે, જેની વન વિભાગ પરવાનગી નથી આપતો જેને લઇ હાલ માછલીઓની આ હાલત થઇ છે. 

Panchang

dd