શ્રીનગર, તા. 19 : અનંતનાગના કોકેરનાગમાં અનેક દિવસોથી જારી અથડામણમાં સુરક્ષા દળોએ મહત્ત્વની સફળતામાં લશ્કરે તોયબાના આતંકી ઉજૈર ખાનને ઠાર માર્યો હતો, તો બે અન્ય ત્રાસવાદીના મૃતદેહ મળી આવ્યા છે. જેના પર 10 લાખનું ઈનામ હતું એ ઉજૈરના ખાતમા સાથે સાતમા દિવસે આ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર ઉજૈર તોયબાનો ટોચનો કમાન્ડર હતો. તેનો મૃતદેહ કબજે કરવામાં આવ્યો છે. ઉજૈર ઉપરાંત વધુ બે મૃતદેહ પણ જોવા મળ્યા છે. અથડામણનાં સ્થળે હજી શોધખોળ અભિયાન ચાલુ છે. સાત દિવસથી જ્યાં અથડામણ ચાલી રહી છે એ સ્થળે વિસ્ફોટકો પણ હોવાની આશંકાને પગલે સ્થાનિક લોકોને ત્યાંથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરક્ષા દળોએ જંગલમાંથી બે મૃતદેહ કબજે કર્યા હતા, જે પૈકી એક મૃતદેહ જવાન પ્રદીપસિંહનો હતો. તેઓ 13મી સપ્ટેમ્બરથી જ લાપતા હતા. મીડિયા અહેવાલો મુજબ, કોકેરનાગની અથડામણ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સૌથી લાંબો સમય ચાલેલું ઓપરેશન છે, જેમાં સેનાના એક કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીવાયએસપી શહીદ થયા હતા.