• મંગળવાર, 17 માર્ચ, 2026

પિંગલેશ્વર બીચ માટે રૂા. પાંચ કરોડ ફાળવાયા

ગાંધીનગર, તા. 16 : ગુજરાત વિધાનસભામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા કચ્છમાં પ્રવાસન વિકાસ સહિતના પ્રશ્નના જવાબમાં સંબંધિત મંત્રી દ્વારા વિગતોસભર જવાબો અપાયા હતા.

કચ્છ જિલ્લામાં પ્રવાસન વિકાસ અંગે પ્રશ્ન

અબડાસા વિસ્તારના ધારાસભ્ય  પ્રધુમનાસિંહ જાડેજાએ કચ્છમાં પ્રવાસનના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કયાં સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો અને કેટલો ખર્ચ થયો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (પ્રવાસન) હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, લખપત ફોર્ટ, ગોવર્ધન પર્વત (અંજાર), તેરા વિલેજ, રોડ ટુ હેવન, યક્ષદેવ, મોગલધામ, સ્વ. બળવંતરાય મહેતા સ્મારક, મેમોરિયલ, માંડવી બીચ, ધોરડો, ધોળાવીરા, ભૂતનાથ મહાદેવ અને ટપકેશ્વરી મંદિર સહિતનાં સ્થળોનો પ્રવાસન વિકાસ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પીપીપી પરિયોજના અંતર્ગત ધોરડો ખાતે ટેન્ટ, ભૂંગા, રેસ્ટોરેન્ટ, એડવેન્ચર પાર્ક અને અન્ય સુવિધાઓ તથા ધોળાવીરા ખાતે કોટેજિસ, રેસ્ટોરેન્ટ, કોન્ફરન્સ હોલ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

પિંગલેશ્વર બીચ અને યક્ષદેવના મેળાના વિકાસ

ધારાસભ્ય શ્રી જાડેજાએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં પિંગલેશ્વર બીચ અને નખત્રાણા તાલુકામાં યક્ષદેવના મેળાને વિકસાવવા માટે કરાયેલી દરખાસ્ત અંગે પ્રશ્ન પૂછ્યો હતો, તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પિંગલેશ્વર બીચ માટે રૂા. 25 કરોડની દરખાસ્તમાંથી રૂા. 5ાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે યક્ષદેવના મેળા માટે રૂા. 10 કરોડની દરખાસ્તમાંથી રૂા. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળના કેસો

વડગામ વિસ્તારના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર અત્યાચારના કેસો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024માં બનાસકાંઠામાં 21 અને વર્ષ 2025માં 16 કેસ નોંધાયા છે. કચ્છ-ગાંધીધામ વિસ્તારમાં 2024માં 16 અને 2025માં 18 કેસ તથા ભુજ વિસ્તારમાં 2024માં 13 અને 2025માં 7 કેસ નોંધાયા છે.

ગૌમાંસ અને ગૌવંશ સંબંધિત ગુનાઓ

કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય અમૃતજી મોતીજી ઠાકોર દ્વારા કચ્છ અને ખેડા જિલ્લામાં ગૌમાંસ અને ગૌવંશ સંબંધિત ગુનાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (ગૃહ)એ જણાવ્યું હતું કે, વર્ષ 2024 અને 2025 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છ તેમજ ખેડા જિલ્લામાં ગૌમાંસ અને ગૌવંશ પકડવાના અનેક બનાવો નોંધાયા છે. આ કેસોમાં કચ્છ પૂર્વમાં 17, કચ્છ પશ્ચિમમાં 39 અને ખેડામાં 102 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કચ્છમાં માર્ગ અકસ્માતથી થયેલ મૃત્યુ

અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી જાડેજાએ કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતથી થયેલાં મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી (ગૃહ)એ જણાવ્યું હતું કે, વર્ષ 2024 દરમિયાન 388 અને વર્ષ 2025 દરમિયાન 391 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે.

Panchang

dd