નવી
દિલ્હી,
તા. 27 : પશ્ચિમી વિક્ષોભ નબળો પડવા સાથે પ્રિ-મોન્સૂન
એક્ટિવિટી એટલે કે, ચોમાસાં પહેલાંની ગતિવિધિઓમાં
વિલંબના કારણે વિક્રમસર્જક અને આખી દુનિયાની સૌથી ભીષણ ગરમીથી ભારતીય જનજીવન
પરેશાન થઈ ગયું છે. દેશના સાત શહેરમાં તાપમાન 46 ડિગ્રીને
પાર પહોંચી ગયું હતું. દુનિયાના સૌથી ગરમ 100માંથી 95 શહેર
એકલાં ભારતનાં છે. અફ્રિકાથી આરબ દેશો સુધીના સતત તપતા ભાગો કરતાં
વધારે તાપમાનથી ત્રાહિમામ ભારતીયો હવે જલ્દીથી વરસાદી વ્હાલ ઝંખે છે.
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશભરમાં સૌથી વધુ
તપ્યું હતું. અગાસીમાં ખુલ્લાં રાખી મૂકેલાં દાળ-ધાન ઈંધણ વગર તીવ્રતામાં પાકી
ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. કાળાં માંથાના માનવીથી માંડીને પશુ-પંખી સહિત
સમસ્ત જીવસૃષ્ટિને અકળાવી નાખતો તાપ પ્રાણઘાતક બન્યો છે. બિહારમાં ગરમી સહન ન કરી
શકતાં સાત લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો
મધ્યપ્રદેશના છીંદવાડામાં ઘણાં કબૂતરોનાં મોત થયાં હતાં. દેશમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રનાં સાત શહેર સૂરજ સગડીમાં શેકાયાં હતાં. 46.9 ડિગ્રી
સાથે દેશમાં સૌથી વધુ તપેલાં અકોલા બાદ અમરાવતીમાં 46.8 ડિગ્રી, બાંદામાં 46.6, વર્ધા અને બાડમેરમાં 46.4 અને
યવતમાનમાં 46 ડિગ્રી
તાપમાન સાથે જનજીવન અગન તાંડવથી ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. ઉત્તરાખંડનાં
દહેરાદૂનમાં ગરમીથી બાળકોને બચાવવા 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી
દેવાઈ હતી. ઓરિસ્સામાં વસ્તી ગણતરીના કામમાં લાગેલા બે શિક્ષકના `હીટસ્ટ્રોક'થી મોત થઈ ગયાં હતાં. ઉત્તરપ્રદેશના 60 જિલ્લામાં
લૂનું એલર્ટ જારી કરાયું હતું. મધ્યપ્રદેશના ખજૂરાહોમાં ઉષ્ણતા માપક પારો પહેલીવાર
45 ડિગ્રી
પર પહોંચી ગયો હતો. ભારતના 55 ટકા ભાગ `હાઈહીટ રિસ્ક ઝોન' બન્યો છે. દેશના 266 જિલ્લામાં અતિ ગંભીર અને 151 જિલ્લા
ગંભીર ગરમીની શ્રેણીમાં મૂકાયા છે. ખાસ કરીને સાંજ ઢળ્યા પછી રાતના સમયમાં પણ તપત
રહેતી હોવાથી ધરતીને ઠંડી થવાનો સમય જ નથી મળતો. એક અભ્યાસ અનુસાર છેલ્લાં 10 વર્ષમાં
રાતનું તાપમાન 32 ટકા
રહ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ 44 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ
તપ્યું હતું. ગાંધીનગરમાં 43.4, ભુજમાં 43.8, અમરેલી, રાજકોટમાં 43.3 ડિગ્રી સાથે અગનવર્ષાએ ગુજરાત જનજીવનની પણ `અગનપરીક્ષા' લઈ નાખી હતી.