નવી
દિલ્હી,
તા. 13 : મહિલા અનામત ખરડા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સોમવારે જણાવ્યું કે, આપણા દેશની સંસદ એક નવો ઇતિહાસ
રચવાની નજીક છે. વિધાનસભાથી સંસદ સુધી દાયકાઓની પ્રતીક્ષાનો અંત આવશે. રાજધાની
દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજિત `નારી શક્તિ વંદન સંમેલન'ને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહિલા
અનામત વિધેયક પસાર કરીને ભારત દેશ 21મી સદીના સૌથી મહત્ત્વના
નિર્ણયોમાંનો એક નિર્ણય લેવા જઇ રહ્યો છે. મોદીએ દેશની મહિલાઓને એક નવા યુગની
વધામણી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, મુદ્રા
યોજનામાં 60 ટકાથી વધુ લોન મહિલાઓએ લીધી છે. દેશની
સ્ટાર્ટ-અપ ક્રાંતિમાં પણ મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. આજે 42 ટકાથી
વધુ સ્ટાર્ટ-અપ્સમાં કમસે કમ એક મહિલા ડાયરેક્ટર છે. આ સંમેલનમાં દિલ્હીનાં
મુખ્યમંત્રી રેખા ગુપ્તા, મહિલા બાળ વિકાસ મંત્રી
અન્નપૂર્ણાદેવી, સાંસદ સુધા મૂર્તિ સહિત મહિલા પ્રતિભાઓએ
હાજરી આપી હતી. આ માટે જ સરકાર 16થી 18 એપ્રિલ
સંસદનું વિશેષ સત્ર લાવી છે. નારીશક્તિ વંદન અધિનિયમ મહિલાઓનાં જીવનનો મોટો અવસર
બનવા જઇ રહ્યો છે. હું ગૃહસ્થ નથી, પરંતુ જાણું
બધું જ છું, સંસદ સુધી પહોંચવાનો માર્ગ મહિલાઓ માટે સરળ થવા
જઇ રહ્યો છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. આજે મહિલાઓની
ભૂમિકા વધુ મહત્ત્વની બની ગઇ છે. અમારી યોજનાઓથી મહિલાઓ આર્થિક સશક્ત બની, તેવું મોદી બોલ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે, પહેલાં પિતા અને પુત્ર ઘર-જમીન લેવાની વાત કરતા. આજે ત્રણ કરોડથી વધુ
મહિલા પોતાનાં ઘરની માલિક બની છે. ભારતની તમામ મહિલાઓને એક નવા યુગનાં આગમનની
વધામણી આપું છું. લોકતાંત્રિક સંરચનામાં મહિલાઓને અનામત આપવાની જરૂરત દાયકાઓથી
દરેક અનુભવે છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.