નવી
દિલ્હી,
તા. 13 : પાકિસ્તાનની ભૂમિ પર શાંતિવાર્તા વિફળ નીવડયા
પછી અમેરિકા અને ઇરાન વચ્ચે પાછી યુદ્ધની આગ ફાટી નીકળે તેવાં અમંગળ એંધાણ મળી
રહ્યાં છે. અહંકારી અને વર્ચસ્વવાદી વલણની પ્રતીતિ કરાવતાં અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને પહેલા ધમકી આપી હતી અને તરત તેનો અમલ કરતાં સોમવારની સાંજે
સાડા સાત વાગ્યાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી શરૂ કરી દીધી હતી. નાકાબંધીનું
નુકસાન ભારતને પણ થવાની ભીતિ છે. કારણ કે 15 ભારતીય જહાજ હોર્મુઝમાં અટવાઇ
પડયાં છે. ભારત માટે ઊર્જા સંકટનું જોખમ વધ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, કોઇ પણ ઇરાની જહાજ `અમેરિકી નાકાબંધી' તોડવાની કોશિશ કરશે તો તેને તરત ઉડાવી દેવાશે. સમુદ્રમાં ડ્રગ તસ્કરોના
જહાજ સાથે થાય છે, તેવી જ કાર્યવાહી કરાશે. ખાસ કરીને ઇરાનને
ટોલ ચૂકવનાર જહાજો પર નજર રખાશે. ટ્રમ્પની નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં
જહાજોની આવ-જા બંઇ થઇ ગઇ છે. મરીન ટ્રાફિક વેબસાઇટે જારી કરેલા વીડિયોમાં હોર્મુઝ
સાવ ખાલી દેખાય છે. તો સામે પક્ષે ઈરાને અમેરિકાની ધમકીનો એટલી જ તાકાતથી જવાબ
આપતાં કહ્યું હતું કે, જો ઈરાનનાં કોઈ બંદર ઉપર ખતરો ઊભો થશે
તો ખાડીનાં કોઈપણ બંદર સલામત રહેશે નહીં.
અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીનું એલાન કરતાં સૌથી મોટી સમસ્યા ભારત અને
ચીનને થઈ શકે એમ છે. ચીને અમેરિકાની આ ધમકી સામે આકરી પ્રતિક્રિયા પણ આપી દીધી
હતી. ચીને કહ્યું હતું કે, તે ઈરાન સાથે પોતાનો કારોબાર
યથાવત્ જાળવી રાખશે અને આમાં કોઈપણ બાહ્ય દખલગીરીને સાંખી લેવામાં નહીં આવે.
બીજીબાજુ બ્રિટને અમેરિકાની આવી કોઈ કાર્યવાહીમાં જોડાવા કે મદદ કરવાનો ઈન્કાર કરી
દેવામાં આવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું હતું કે, તે આવી કોઈ નાકાબંધીનું સમર્થન નહીં કરે અને ઈરાન સામેનાં યુદ્ધમાં ઢસડાશે
પણ નહીં. ભારતની વાત કરવામાં આવે તો
હોર્મુઝ ઉપર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા વધુ ચિંતાજનક તનાવમાં
ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો છે. જહાજ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફારસની
ખાડીમાં હજી પણ 1પ ભારતીય જહાજ અટવાયેલાં છે. આમાં એક એલએનજી, એક ખાલી એલપીજી અને છ ક્રૂડ ઓઈલ ભરેલાં ટેન્કર છે. ત્રણ કન્ટેનર જાહાજ,
એક ડ્રેઝર અને એક કેમિકલ કાર્ગો જહાજ પણ આ 1પ
અટવાયેલાં જહાજોમાં સામેલ છે. આ જહાજોને હવે ત્યાંથી સુરક્ષિત બહાર લાવવા માટે
ભારતીય નૌસેના સતત પ્રયાસરત છે. અત્યાર સુધીમાં 10 ભારતીય જહાજોએ હોર્મુઝ
પાર કરી લીધું છે, પણ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે
નવી ખેંચતાણમાં અન્ય 1પ જહાજોની સ્થિતિ વિશે ચિંતા ઊભી થઈ છે.
હોર્મુઝની નાકાબંધી કરવાના ટ્રમ્પનાં એલાન પછી ઈરાની સેનાએ કહ્યું હતું કે, હોર્મુઝ ઉપર તેની પાસે પૂર્ણ નિયંત્રણ છે. જો અમેરિકા નાકાબંધી કરવાની
કોશિશ કરશે તો તે જાળમાં ફસાઈ જશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી
કેન્દ્રીય કમાન્ડે સવારે 10 વાગ્યાથી નાકાબંધી શરૂ થઈ જશે તેવી ઘોષણા કરી
હતી,
જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ નાકાબંધી
તમામ દેશોનાં જહાજો માટે નિષ્પક્ષતાથી લાગુ થશે. તેમાં અરબ ખાડી અને ઓમાનની
ખાડીનાં તમામ ઈરાની બંદરો સામેલ છે. બિનઈરાની બંદરો વચ્ચે યાત્રા કરતાં જહાજોને જ
હોર્મુઝમાંથી પસાર થવાની અનુમતિ આપવામાં આવશે. ઈરાનને આર્થિક આફતમાં ધકેલી દેવાના
અમેરિકાના આ પ્રયાસ સામે ઈરાને ચેતવણી આપી હતી કે, જો તેના
કોઈપણ બંદર ઉપર જોખમ સર્જાશે તો અખાતનાં તમામ દેશોનાં બંદરો પણ ખતરામાં મુકાઈ જશે.