નવી દિલ્હી, તા. 23 : ભાજપનો દક્ષિણમાંયે
દબદબો વધારવાના વ્યૂહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળ અને પછી તામિલનાડુ
એમ બે દક્ષિણ ભારતીય રાજ્યોમાં ફરી વળ્યા હતા. બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની
છે ત્યારે એક જ દિવસમાં બેય રાજ્યોની સફર ખેડીને `િમશન સાઉથ' છેડતાં
મોદીએ વિશ્વાસભર્યા સ્વરે જણાવ્યું હતું કે, ગુજરાતની જેમ જ કેરળમાં
જીતશું, તો તામિલનાડુમાં પણ જનતાને દ્રમુકના કુશાસનમાંથી મુક્તિ
અપાવશું. અમદાવાદમાં 1987માં જીત મેળવ્યા પછી ગુજરાતમાં
ભાજપે 1995માં પૂર્ણ બહુમત સાથે સરકાર
રચી હતી. એ જ જીતનું પુનરાવર્તન કેરળમાં કરવાનો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો હતો. કેરળ
પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભાજપે જે રીતે અમદાવાદ પછી ગુજરાત જીત્યું એ
જ રીતે તિરુવનંતપુરમ્માંથી કેરળ પણ જીતી લેવાનો વિશ્વાસ છે. કેરળ બાદ તામિલનાડુ પ્રવાસે
પહોંચેલા વડાપ્રધાને આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પણ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરતાં સ્ટાલિન
સરકાર પર પ્રહાર કર્યા હતા. દ્રમુક સરકારને ભ્રષ્ટાચાર, માફિયા
અને અપરાધવાળી સરકાર લેખાવી હતી. વડાપ્રધાને કેરળની રાજધાનીમાં આજે વધુ ત્રણ નવી અમૃત
ભારત સહિત ચાર ટ્રેનને લીલીઝંડી આપી હતી. નવી ટ્રેન સુવિધાઓથી દક્ષિણ ભારતના રાજ્યો
વચ્ચે મજબૂત સેતુ રચાશે. ખાસ કરીને કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે યાત્રા સરળ
બનશે. તિરુવનંતપુરમ્માં 55 મિનિટ સુધી
ભાષણમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કેરળમાં ભાજપ સરકારનો પાયો પડી ગયો છે.ડાબેરી ઇકો સિસ્ટમને મારી વાત ગળે નહીં
ઊતરે, પરંતુ હું આપને તર્ક અને તથ્ય સાથે કહીશ. 1987થી પહેલાં ભાજપ હાંસિયામાં
રહેલો પક્ષ હતો. કેસરિયા પક્ષે 1987માં પહેલીવાર
અમદાવાદ નગર નિગમમાં જીત મેળવી એ જ રીતે આજે ભાજપે તિરુવનંતપુરમ્માં વિજય મેળવ્યો છે, તેવું મોદીએ જણાવ્યું હતું. ભાજપે 1995માં પૂર્ણ બહુમત સાથે ગુજરાતમાં
સરકાર રચી ત્યારથી સરિયામ સત્તામાં છે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા.