નવી દિલ્હી, તા. 4 : તિબેટીયન
આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના અનુગામીને લઈને રઘવાયા બનેલા ચીનના ભારત માટે પરોક્ષ ધમકી
જેવી ભાષાના ઉપયોગ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે, ભારતે તમામ ધર્મની સ્વતંત્રતાનું સન્માન કર્યું
છે અને તે ધર્મ અને આસ્થા મુદ્દે કોઈ ચોક્કસ વલણ અપનાવતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, સરકારે હંમેશાં ભારતમાં બધા માટે
ધર્મની સ્વતંત્રતાને સમર્થન આપ્યું છે અને તે ચાલુ રાખશે. અગાઉ ચીને કેન્દ્રીય લઘુમતી
બાબતોના મંત્રી કિરેન રિજ્જુ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, ભારતે
પોતાના શબ્દો અને કાર્યોમાં સાવધાની રાખવી જોઈએ. ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓ પર ચીનના
આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરવું જોઈએ. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરન
રિજ્જુએ કહ્યંy હતું કે, દલાઈ લામાના બધા અનુયાયીઓ ઈચ્છે છે કે,
તિબેટીયન આધ્યાત્મિક નેતા પોતાના ઉત્તરાધિકારીની પસંદગી પોતે કરે. `દલાઈ લામાના મુદ્દા પર કોઈ મૂંઝવણની જરૂર
નથી. વિશ્વભરમાં બૌદ્ધ ધર્મમાં માનનારા અને દલાઈ લામામાં માનનારા બધા લોકો ઈચ્છે છે
કે, તેઓ (તેમના ઉત્તરાધિકાર પર) નિર્ણય લે. માટે સરકારે કંઈ કહેવાની જરૂર નથી.' રિજ્જુએ કહ્યું હતું કે, `દલાઈ લામામાં માનનારા બધાનો મત છે કે, ઉત્તરાધિકારીઓ નિર્ણય સ્થાપિત પરંપરા અને દલાઈ
લામાની ઈચ્છા મુજબ થવો જોઈએ. તેમના અને હાલની પરંપરાઓ સિવાય બીજા કોઈને તે નક્કી કરવાનો
અધિકાર નથી.' નિર્વાસિત તિબેટીયન સરકારના પ્રમુખ પેનમા ત્સેરિંગે
પણ ચીનને ઠપકો આપ્યો છે અને કહ્યું છે કે, `ધર્મમાં કોઈ શ્રદ્ધા ન રાખતી ચીની સરકાર કઈ પણ નક્કી કરી શકે
નહીં. ચીન તિબેટી લોકોની ધાર્મિક સ્વતંત્રામાં દખલ કરવા માગે છે. તેઓ ફક્ત આપણા દેશ
પર કબજો કરવા માગતા નથી, પરંતુ આપણા
પર ઘણી બાબતો લાદવા માગે છે, જેમાં આપણા પોતાના આધ્યાત્મિક નેતાને
પસંદ કરવાની ધાર્મિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે.'