• બુધવાર, 08 મે, 2024

વિચાર, વૃત્તિ અને કલમમાં સમજણ ખૂબ જરૂરી

રાજકોટ, તા. 30 : જાણીતા પત્રકાર - સાહિત્યકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરીને લગતો નચિકેતા એવોર્ડ `ફૂલછાબ'ના પૂર્વ તંત્રી કૌશિકભાઈ મહેતાને અર્પણ કરતાં પ્રખર રામાયણી સંત પૂ. મોરારિબાપુએ વિચાર, વૃત્તિ અને કલમમાં સમજણ ખૂબ જરૂરી છે. આ વ્યક્તિ (કૌશિકભાઈ)એ તેના નામને અને ગોત્રને બરાબર સાર્થક કર્યું છે. આ વ્યક્તિ એવી છે કે, જેણે પત્રકારત્વનો સ્વધર્મ બરાબર બજાવ્યો છે. અહીંની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરીયમમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, પ્રબદ્ધજનો, સાહિત્યકારો, રાજકીય આગેવાનોની હાજરીમાં પત્રકારત્વ ક્ષેત્રમાં મહત્ત્વના મનાતા નચિકેતા એવોર્ડ વિતરણનો આ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે નગીનદાસ સંઘવીના પુત્રવધૂ ઉષાબેન, ચિત્રલેખાના પૂર્વ તંત્રી ભરત ઘેલાણી, સંદેશના પૂર્તિ સંપાદક કૃષ્ણકાંત ઉનડકટ, અતુલ ઓટોના જયંતીભાઈ ચાંદ્રા, કૌશિક મહેતાના પત્ની સીમાબેન ઉપસ્થિત રહ્યા હતા. બાપુએ જણાવ્યું કે, માંજેલી કલમ, મૌલિક અને તટસ્થ લખાણ લખતા કૌશિકભાઈને નચિકેતા એવોર્ડ અપાય છે, એનો આનંદ અનુભવું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે, નગીનભાઈને શતાયુ સન્માન માટે માંડ મનાવ્યા હતા એવી જ રીતે કૌશિકને પણ નચિકેતા એવોર્ડ સ્વીકારવા માટે તૈયાર કરવામાં ભારે જોર લગાવવું પડયું છે. કૌશિકે માત્ર કર્તવ્ય જ નિભાવ્યું છે અધિકારનો ઉપયોગ કર્યો નથી એમ પણ બાપુએ ઉમેર્યું હતું. બાપુ અને નગીનદાસ સંઘવીના પુત્રવધૂ એવા ઉષાબેનના હસ્તે 2023નો નચિકેતા એવોર્ડ સ્વીકાર કરતાં કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, નગીનબાપાની સ્મૃતિમાં અપાતો નચિકેતા એવોર્ડ મને મળ્યો એ મારા માટે આનંદ અને ગૌરવનો અવસર છે. પત્રકારત્વની કારકિર્દીના અનેક ચડાવ-ઉતાર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પત્રકારની જિંદગીમાં પડકારો આવતા હોય છે. ઓસામા બીન લાદેનની સ્ટોરી લખતી વેળા હૃદયરોગનો હુમલો આવેલો પણ સ્ટોરી પૂરી કરી ડોકટર પાસે ગયો ને દાખલ થવું પડયું હતું. પ્રતિકૂળ સ્થિતિમાં કામ કર્યાના અન્ય દાખલા પણ એમણે આપ્યા હતા. ફૂલછાબનો તંત્રી બન્યો એનો લાભ એ થયો કે બાપા (નગીનદાસ) અને બાપુ (મોરારિબાપુ) બેય મળ્યા. બાપા છેક સુધી સક્રિય રહ્યા. 97-98 વર્ષની ઉમરે એમણે પોતાની યૂટયૂબ ચેનલ શરૂ કરી. આજે બાપાની ખોટ વર્તાય છે, એવું તેમણે ઉમેર્યું હતું. પ્રસિદ્ધ કવિ રમેશ પારેખની રચના પ્રો. મનોજ જોશીએ ગાઈ હતી. જાણીતા પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટે બાપાનું સ્મરણ કરતાં પૂછ એને જે શતાયુ છે, ક્યાં કેમ જીવાયું છે કહીને બાપાની કેટલીક ઓછી જાણીતી વાતો કહી હતી. બાપાના ત્રણ ગુણ ઊડીને આંખે વળગે એવા હતા. સાદગી, સચ્ચાઈ અને સાતત્ય. 100મા વર્ષે પણ હાથમાં કલમ હોય એ કેવું સાતત્ય એવું જણાવ્યું હતું. સમારોહનું સંચાલન યોગેશ ચોલેરાએ સંભાળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang