નવી દિલ્હી, તા. 21 : દિલ્હી વડી
અદાલતના ન્યાયમૂર્તિ યશવંત વર્માનાં ઘરમાંથી રોકડા 15 કરોડ રૂપિયા મળી આવવાના મામલે નવો વળાંક આવ્યો છે. દિલ્હી અગ્નિશમન
વિભાગના વડા અતુલ ગર્ગે કહ્યું કે, અગ્નિશમન અભિયાન દરમ્યાન દિલ્હી હાઇકોર્ટના જજનાં ઘરમાંથી કોઇ રોકડ મળી નથી.
આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે પણ નિવેદન જારી કરી કહ્યું હતું કે, જસ્ટિસ યશવંત વર્માની બદલીની પ્રક્રિયાને કોઇ દંડાત્મક પગલાંથી સંબંધ નથી.
કોર્ટે કહ્યું કે, નિર્ધારિત પ્રક્રિયા અનુસાર આંતરિક તપાસ કરવામાં
આવી રહી છે અને બદલીનો તે તપાસથી કોઇ સંબંધ નથી. આમ હવે એ સવાલ સર્જાયો છે કે ખરેખર
મોટી રકમ મળી હતી કે નહીં ? મળી તો કોને મળી ? જો નાણાં મળ્યાં જ ન
હતાં તો આખી વાત ફેલાઇ કઇ રીતે ? સુપ્રીમ કોર્ટે નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, જસ્ટિસ
વર્માના નિવાસે બનેલી ઘટના સંદર્ભે ખોટી માહિતી અને અફવા ફેલાવાઇ રહ્યા છે. આ અગાઉના
હેવાલ મુજબ, હોળીની રજાઓ દરમ્યાન જસ્ટિસ વર્માના સરકારી આવાસમાં
આગ લાગી હતી, તે વખતે ન્યાયમૂર્તિ ઘરમાં નહોતા. પરિવારે જાણ કરતાં
ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘરમાં પહોંચી ત્યારે આ રોકડ રકમ મળી હતી. મુખ્ય
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાને રોકડ મળી હોવાના મામલાની જાણ થતાં જ યશવંત વર્માની બદલીની
ભલામણ પાંચ સભ્યના કોલેજિયમે કરી હતી. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) સંજીવ ખન્નાની
અધ્યક્ષતામાં કોલેજિયમે એક બેઠક યોજીને જસ્ટિસ વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલીનો
આદેશ કર્યો હતો, જેને પગલે તપાસ ઉપરાંત તેમની સામે દંડાત્મક પગલું
ભરાયાની ચર્ચાએ જોર પકડી લીધું હતું, પણ સુપ્રીમ કોર્ટે આમાં
સ્પષ્ટતા આપીને કહ્યું હતું કે, જસ્ટિસ વર્માનાં આવાસ ઉપર બનેલી
ઘટના વિશે અફવાઓ ફેલાવાઈ રહી છે. જસ્ટિસ યશવંત વર્મા દિલ્હી હાઈકોર્ટમાં બીજા સૌથી
વરિષ્ઠ જજ અને કોલેજિયમનાં સદસ્ય છે. તેમની મૂળ સ્થાને બદલી અને ઘટનાની આંતરિક તપાસ
પરસ્પર સંલગ્ન નથી. આંતરિક તપાસ પછી જ કોલેજિયમ કોઈપણ પ્રસ્તાવ પસાર કરશે. દરમિયાન દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે
કહ્યું હતું કે, તા.14 માર્ચે રાતે 11.3પ કલાકે લુટિયંસ દિલ્હી સ્થિત જસ્ટિસ વર્માના આવાસમાં આગ લાગી
હોવાની સૂચના મળી હતી અને તાત્કાલિક બે ફાયર ટેન્કર રવાનાં કરાયાં હતાં. આગ ઘરમાં સ્ટેશનરી
અને અન્ય સામાન રાખેલા ભંડારમાં લાગી હતી. જેનાં ઉપર 1પ મિનિટમાં કાબૂ આવી ગયો હતો, ત્યારબાદ પોલીસને આગની જાણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન તેમને કોઈ જ રોકડ રકમ ત્યાંથી મળી નહોતી. બીજીતરફ હાઇકોર્ટ
બાર એસોસિયેશને ન્યાયમૂર્તિ યશવંત વર્માની બદલી કરીને પાછા અલાહાબાદ હાઇકોર્ટ મોકલી
દેવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, કોલેજિયમના ફેંસલાથી ગંભીર
સવાલ ઊઠી રહ્યા છે કે, શું અમે કચરાપેટી છીએ ? જસ્ટિસ યશવંત વર્માને ઓક્ટોબર ર0ર1માં અલાહાબાદ
હાઈકોર્ટથી દિલ્હી હાઈકોર્ટ મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ અને ફાયર બ્રિગેડની સ્પષ્ટતા
પહેલાં એવા અહેવાલો આવ્યા હતાં કે, હોળીની રજાઓ દરમિયાન તેમના દિલ્હી ખાતેના સરકારી બંગલામાં આગ ભભૂકી હતી. બનાવ
વખતે તેઓ હાજર ન હતા. દરમિયાન પરિવારજનોએ ફાયરબ્રિગેડ સહિત ઈમરજન્સી સેવાને જાણ કરી
હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન કર્મચારીઓને કરોડો રૂપિયાની રોકડ સામે દેખાતાં ચોંકી
ઉઠયા અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. મામલો આખરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના
સુધી પહોંચ્યો અને બનાવની ગંભીરતા ધ્યાને લેતાં તુરંત કોલેજિયમની બેઠક બોલાવી બદલીનો
નિર્ણય લેવાયો હતો. જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટની કોલેજિયમ અને
ફાયરબ્રિગેડ બન્નેએ સ્પષ્ટતા આપીને આખાં પ્રકરણને નાટકીય વળાંક આપી દીધો છે. રાજ્યસભામાં
આ મુદ્દો ઊઠતાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ગૃહમાં ન્યાયિક ઉત્તરદાયિત્વ પર ચર્ચા થવી જોઇએ. કોંગ્રેસી સાંસદની આ માંગ
બાદ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે, સિસ્ટમમાં પારદર્શકતા અને જવાબદારી જરૂરી છે અને આ મુદ્દા પર એક વ્યવસ્થિત
ચર્ચા કરાવાશે.