નવી દિલ્હી, તા. 7 : અમેરિકામાં
ભારતીય અપ્રવાસીઓ પર અત્યાચાર તથા હાથ-પગમાં હાથકડી અને બેડી પહેરાવીને અમાનવીય રીતે
ભારત પાછા મોકલવાના કૃત્યથી ચોમેર ફેલાયેલા રોષ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, અમેરિકાના સત્તાધીશો દ્વારા ત્યાં રહેતા વધુ
487 ભારતીયની ઓળખ કરાઇ છે અને તેમને
તુરંત પાછા મોકલશે. આ મામલે વિપક્ષોના તીવ્ર પ્રહારો વચ્ચે બચાવમાં આવી ગયેલી સરકારે
કહ્યું છે કે, અપ્રવાસી ભારતીયો સાથે
દુર્વ્યવહાર ગંભીર વિષય છે અમે અમેરિકી અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. ભારતીય
અપ્રવાસીઓ મુદ્દે વિદેશ સચિવ વિક્રમ મિત્રીએ કહ્યું હતું કે, વિદેશમંત્રી અમેરિકાના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલી એસઓપીની સંચાલકની જાણકારી
અપાઈ હતી અને ધ્યાન અપાવ્યું હતું કે, આ પ્રક્રિયા લાંબા સમયથી
ચાલતી આવે છે. જો કે, અપ્રવાસીઓ સાથે અન્યાય એ એક ગંભીર વિષય
છે. અને અમેરિકી અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં
વિક્રમ મિત્રીએ કહ્યું હતું કે, અમેરિકાએ 487 સંભવિત ભારતીય નાગરિકો વિશે
જાણકારી આપી છે. અમેરિકાના અધિકારીઓને અમે સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતીય અપ્રવાસીઓ સાથે કોઇ પણ પ્રકારનો અમાનવીય
વ્યવહાર કરવામાં ન આવે. જો, અમને કોઇ પણ પ્રકારે થતા અન્યાયની
જાણકારી મળી તો અમે તેની ઉચ્ચ સ્તરે ફરિયાદ કરીશું ઉપરાંત વિદેશ સચિવે પ્રવાસનને મહત્ત્વ
દેનારા એજન્ટો તથા એજન્સીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.