નાગપુર, તા. 3 (પીટીઆઇ) : પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે, `રાજકારણ એ અતૃપ્ત આત્માઓનો દરિયો' છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી છે અને તેના વર્તમાન પદ કરતાં ઉચ્ચ પદની ઈચ્છા ધરાવે છે. જીવન એ સમાધાન, મજબૂરીઓ, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે, ગડકરીએ રવિવારે નાગપુરમાં `50 ગોલ્ડન રૂલ્સ ઓફ લાઇફ' નામનાં પુસ્તકના વિમોચન પ્રસંગે આમ કહ્યું હતું. મંત્રીએ રાજસ્થાનમાં હાજરી આપી હતી તે કાર્યક્રમને યાદ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, `રાજનીતિ એ અતૃપ્ત આત્માઓનો દરિયો છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી છે. જે કોર્પોરેટર બને છે તે દુ:ખી છે. કારણ કે, તેને ધારાસભ્ય બનવાની તક મળી નથી અને એક ધારાસભ્ય દુ:ખી છે, કારણ કે તેમને મંત્રીપદ ન મળી શક્યું. `જે મંત્રી બને છે તે દુ:ખી છે, કારણ કે તેને સારો વિભાગ ન મળી શક્યો અને મુખ્યમંત્રી ન બની શક્યો અને મુખ્યમંત્રી ટેન્શનમાં છે, કારણ કે તેઓ જાણતા નથી કે હાઈકમાન્ડ ક્યારે તેમને છોડવાનું કહેશે. ગડકરીએ કહ્યું કે, જીવનમાં સમસ્યાઓ એક મોટો પડકાર ઊભો કરે છે અને તેનો સામનો કરવો અને આગળ વધવું એ `જીવવાની કળા' છે. તેમણે કહ્યું કે, તેમને તેમના રાજકીય જીવનમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ રિચર્ડ નિકસનની આત્મકથામાંથી એક અવતરણ યાદ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, `માણસ જ્યારે પરાજય પામે છે, ત્યારે તે ખતમ થતો નથી. જ્યારે તે હાર માની લે છે, ત્યારે તે ખતમ થાય છે. કેન્દ્રીય મંત્રીએ સુખી જીવન માટે સારા માનવીય મૂલ્યો અને `સંસ્કારો' પર ભાર મૂક્યો હતો. તેમણે જીવન જીવવા અને સફળ થવા માટેના તેમના સુવર્ણ નિયમો શેર કરતી વખતે `વ્યક્તિ, પક્ષ અને પક્ષની ફિલોસોફી'ના મહત્ત્વ પર પ્રકાશ પાડયો હતો.