• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ઓખામાં ઝડપાયો નાપાક જાસૂસ

રાજકોટ, દ્વારકા, તા. 29 : ગુજરાત એ.ટી.એસ.એ ફરી એકવાર દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા શખ્સની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મામલે હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે. હાલ મળતી વિગતો અનુસાર આ જાસૂસ 200 રૂપિયા માટે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત એ.ટી.એસ.એ ઓખામાં રહેતા દીપેશ ગોહિલ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. દીપેશ ગોહિલ, ઓખા જેટી પાસે કોર્ટગાર્ડમાં મળેલા કોન્ટ્રાક્ટમાં આ એક કર્મચારી છે ત્યાં 3 વર્ષથી કામ કરે છે. પાછલા 7 મહિના અગાઉ તેને ફેસબુકમાં સાહિમા નામની પાકિસ્તાની મહિલાના એકાઉન્ટથી રિક્વેસ્ટ આવી હતી. જે તેણે સ્વીકારી હતી. બાદમાં તે ફેસબુકથી વાતચીત કરવા લાગ્યો. બાદમાં બન્નેએ નંબર એક્સચેન્જ કર્યા. પછી થોડી વાતચીતમાં તેને માલુમ પડયું કે સાહિમા નામની મહિલા પાકિસ્તાની નેવીમાં કામ કરે છે. તે મહિલાએ વેલ્ડિંગનું કામ કરતા દીપેશ પાસે કોસ્ટકાર્ડમાં કામ કરતા લોકોની શિપનું સ્થાન અને નામ માગ્યું હતું. બાદમાં બન્ને વોટ્સએપ પર ચેટ અને વાત કરતા હતા. પાકિસ્તાની યુવતીએ તેને ગુપ્ત માહિતી આપવા માટે પૈસાની લાલચ આપી હતી. જેથી દીપેશ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાન મોકલતો હતો. દીપેશ ગોહિલ ભારતીય જળસીમા પર પેટ્રાલિંગ કરી રહેલા કોસ્ટગાર્ડના જહાજોની ગતિવિધિ જાણતો હતો અને તે માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. આરોપીના ફોનની તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીને માહિતી આપવા બદલ દિવસના 200 રૂપિયા આપવામાં આવતા હતા. પાકિસ્તાનથી સાહિમાએ દીપેશે આપેલા તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા સાત-આઠ મહિના દરમિયાન રૂા. 42,000 જેટલા યુ.પી.આઇ.થી જમા કરાવ્યા છે.  દીપેશ જે ફોન નંબર પર વાત કરતો હતો તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હતું. એ.ટી.એસ.એ દીપેશના બેંક ખાતાઓ અને મોબાઈલની તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang