શ્રીનગર, તા.
16 : વીતેલા બે દિવસમાં પાંચ આતંકવાદીને ઠાર કરતાં જાંબાઝ જવાનોએ કરેલા છ ભીષણ એન્કાઉન્ટર
વચ્ચે સોમવારે આતંકવાદગ્રસ્ત કાશ્મીરના પ્રવાસે પહોંચેલા દેશના ગૃહપ્રધાન અમિત શાહે
જણાવ્યું હતું કે, આતંકવાદને પાતાળમાં દફન કરી નાખશું તેવું વચન કાશ્મીરની જનતાને આપવા
આવ્યો છું. કિસ્તવાડમાં ચૂંટણીસભાને સંબોધનમાં વિપક્ષો પર નિશાન સાધતાં શાહે કહ્યું
હતું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના જોડાણે આતંકવાદને ઉત્તેજન આપ્યું છે. ગૃહપ્રધાને
1980ના દાયકામાં કાશ્મીર ખીણમાં લોહિયાળ આતંકવાદના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, જ્યારે
ખીણ લોહીથી લથપથ હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ગરમીની રજાઓ ગાળવા
લંડન ચાલ્યા ગયા હતા. નેહરુ, ગાંધી અને અબ્દુલ્લા પરિવારોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને
પોષવાની પ્રવૃત્તિ કરી અને હવે એ જ કાશ્મીરના લોકોનું સમર્થન માગી રહ્યા છે, તેવા પ્રહાર
શાહે કર્યા હતા. ગૃહપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કાશ્મીરી
પંડિતોને બેઘર કરી નાખવાનું કામ કર્યું છે અને ભારોભાર વિશ્વાસઘાત કર્યો છે. શું આપ
ફરીવાર એવાં જોડાણને જનાદેશ આપવા ઈચ્છો છો, જેણે માત્ર આતંકવાદ ફેલાવીને કાશ્મીરને
બરબાદ કર્યું, તેવો સવાલ શાહે ખીણની જનતાને કર્યો હતો. ગૃહપ્રધાને કહ્યું હતું કે,
માત્ર તબાહી અને આતંક મચાવનારાં જોડાણથી સાવધાન રહેવાની મારી કાશ્મીરના લોકોને અપીલ
છે. જાગૃત રહો અને સાચી સરકારને ચૂંટજો. આ એવો સમય છે જ્યારે આપણે આતંકવાદને હંમેશ
માટે ખતમ કરીને કાશ્મીરમાં શાંતિની સ્થાપના કરીએ, તેવું શાહે જણાવ્યું હતું.