• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ

વોશિંગ્ટન, તા. 16 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચોસઠ દિવસ બાદ ફરીવાર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. હુમલાખોરની ઓળખ 58 વર્ષીય રેયાન હોથ તરીકે થઇ હતી. હુમલાખોરની ધરપકડ કરી લેવાઇ હતી. આ ઘટના બાદ સમર્થકોને સંદેશ જારી કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, સુરક્ષિત છું. મેં મારી આસપાસ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. મને કોઇ જ ચૂંટણી પ્રચાર કરવાથી પાછળ હટાવી શકશે નહીં. પોતાના બચાવ બદલ તેમણે સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો. એક અહેવાલ મુજબ ટ્રમ્પ ફલોરિડા ખાતે પામ બીચ કાઉન્ટીનાં આંતરરાષ્ટ્રીય ગોલ્ફ કબલમાં રમી રહ્યા હતા. ત્યારે તેમની સુરક્ષામાં લાગેલા અંગત સર્વિસ એજન્ટને ઝાડીઓમાં શંકાસ્પદ વ્યક્તિ છુપાયેલો જોવા મળ્યો હતો. તેની પાસે એકે-47 જેવી રાઇફલ અને ગો પ્રો કેમેરો હતો તથા નિશાન ગોલ્ફ કોર્સની તરફ હતું. ટ્રમ્પ અને હુમલાખોર વચ્ચે અંદાજીત 300થી 500 મીટર જેટલું અંતર હતું. એજન્ટે સંદિગ્ધ વ્યક્તિને જોતાં જ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તે પોતાની કાળા રંગની એસ.યુ.વી.માં ફરાર થઇ ગયો હતો. દરમ્યાન હાજર અન્ય વ્યક્તિએ સંદિગ્ધ વ્યક્તિની ગાડીનો ફોટો ઝડપી લીધો હતો. તેમાં જોવા મળેલી નંબર પ્લેટના આધારે અંગત સર્વિસે ગાડીનો પીછો કર્યો હતો અને ગોલ્ફ કોર્સથી સાઇઠ કિલોમીટર દુર હાઇ-વે પર સંદિગ્ધને પકડી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમેરિકી રાજ્ય પેન્સિલ્વેનિયાના બટલર શહેરમાં ચૂંટણીની રેલી દરમ્યાન પણ ટ્રમ્પ પર ગોળીબાર થતાં ગોળી તેનાં કાન પાસેથી નીકળી હતી. હુમલાની ઘટના ભારતીય સમય અનુસાર ગઇકાલે રવિવારની રાત્રે 11 વાગ્યે થઇ?હતી. ત્યારે અમેરિકામાં બપોરે બે વાગ્યા હતા. તપાસની જવાબદારી એફ.બી.આઇ.ને સોંપાઇ હતી. એજન્સીએ આ હુમલાને ટ્રમ્પની હત્યાનો પ્રયાસ લેખાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang