નવી દિલ્હી, તા. 4 : ત્રિપુરામાં શાંતિને ધ્યાને લઈને એક મોટા
અહેવાલ સામે આવ્યા છે કારણ કે રાજ્યમાં ઉગ્રવાદી સંગઠન એનએલએફટી અને એટીટીએફના પ્રતિનિધિઓએ
ત્રિપુરા શાંતિ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત
શાહ અને રાજ્યના સીએમ માણિક શાહા હાજર રહ્યા હતા. સમજૂતિ અંગે એનએલએફટીએ કહ્યું હતું
કે તેણે સરકાર ઉપર ભરોસો કરતા 30 વર્ષના સંઘર્ષને પૂર્ણવિરામ આપ્યું છે. સંગઠને ગૃહમંત્રી
અમિત શાહ ઉપર ભરોસો હોવાનું કહ્યું હતું. શાહે સમજૂતિ અંગે કહ્યું હતું કે, બે સંગઠને
હથિયાર મૂકીને મુખ્યધારામાં સામેલ થવાનો અને ત્રિપુરાના વિકાસ માટે પ્રતિબદ્ધતાનો નિર્ણય
કર્યો છે. નોર્થ ઈસ્ટમાં આ 12મી સમજૂતિ છે. અત્યારસુધીમા 10,000 ઉગ્રવાદીઓએ હથિયાર
છોડયા છે અને આત્મસમર્પણ કર્યું છે. ત્રિપુરાને લઈને થયેલી શાંતિ સમજૂતિમાં ભારત સરકાર,
ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સે
હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતિ અંગે રાજ્યના સીએમ માણિક સાહાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો
અને કહ્યું હતું કે તેમણે પુર્વોત્તર ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સદભાવનાનો માહોલ
બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. સાહાએ કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહ મંત્રી
શાહની સક્રિય પહલ ઉપર છેલ્લા દસ વર્ષમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં ઘણી શાંતિ સમજૂતિ ઉપર
હસ્તાક્ષર થયા છે. ત્રિપુરામાં અત્યારસુધીમાં ત્રણ સમજૂતિ થઈ છે. ખુશી છે કે એનએલએફટી
અને એટીટીએફના સભ્યોએ મુખ્યધારામાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી
શાહે સમજૂતિ અંગે કહ્યું હતું કે, ખુશીની વાત છે કે 35 વર્ષના સંઘર્ષ બાદ બન્ને સંગઠને
હથિયાર મુક્યા છે અને મુખ્યધારામાં સામેલ થઈને ત્રિપુરાના વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા
વ્યક્ત કરી છે. પીએમ મોદીનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે પીએમ તરીકે મોદીએ કમાન
સંભાળ્યા બાદથી શાંતિ અને સંવાદ તરીકે વિકસિત પૂર્વોત્તરનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.
આ સમજૂતિથી બન્ને સંગઠનના 328 લોકો મુખ્યધારામાં આવશે. 50 કરોડનું પેકેજ ત્રિપુરાના
આ વિસ્તાર માટે બનશે.