• શુક્રવાર, 29 માર્ચ, 2024

કન્યા સંસ્કારધામ - કુમાર વિદ્યાધામનાં કારણે અમારો વિકાસ થયો છે

લંડન, તા.  26 : મૂળ કચ્છમાં લેવા પટેલ સમાજના કન્યા સંસ્કારધામ અને આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરી લંડન સ્થાઈ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું લંડન હેરો ખાતે મિલન યોજાયું હતું. જેમા 51 લાખના દાનની પહેલ કરાઈ હતી.યુ.કે. લેવા પટેલ કોમ્યુનિટીના ઇન્ડિયા ગાર્ડન ખાતમુહૂર્ત પ્રસંગે યુ.કે.ની મુલાકાતે આવેલા કચ્છી લેવા પટેલ સમાજના પ્રતિનિધિ મંડળ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એસ.એસ.એમ.બી. હોલ ખાતે માતૃસંસ્થા સાથે સંવાદ બેઠક યોજી હતી, જેમાં લેવા પટેલ કુમાર વિદ્યાધામના પૂર્વ વિદ્યાર્થી એવા નીતિનભાઈ કલ્યાણભાઈ કેરાઈ (ભારાસર), પત્ની સવિતાબેન,પરિવાર અને ગામ સુખપરના સહપાઠી હિતેશ કાનજી ભુવા, પત્ની અમૃતબેન બંનેએ 25 - 25 લાખ રૂપિયા પોતાના વ્યાવસાયિક પ્રતિષ્ઠાન ડેલ્ટા એન્જિનીયર્સ લિમિટેડ (યુ.કે.) સંસ્થામાં દીર્ઘ સમર્પણ કરનાર શિક્ષણવિદ્ આગેવાન કેસરાભાઈ પિંડોરિયાના સમાજ સમર્પિત કરતૃત્વની કદર રૂપે ગુરુદક્ષિણા રૂપ 51 લાખનું તુલસીપત્ર જાહેર કરાયું હતું. આ રકમમાંથી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયમાં ડિજિટલ બોર્ડ અને એપ્લિકેશન સહિતની વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ વિકસાવવામાં આવશે તેવી યુવા દાતાઓએ લાગણી દર્શાવી હતી.  બેઠકના સંકલનકર્તા નીતિનભાઈ કેરાઈએ કહ્યું, આજે અમે જે છીએ તે અમારા લેવા પટેલ સમાજના કારણે છીએ. ગોપાલભાઈ, રીટાબેન અને કેસરાભાઈના કાર્યોને શાબ્દિક રીતે ઉપસાવતાં સ્થાનિક આગેવાનોની પણ તેમણે નોંધ લીધી હતી. પ્રતિભાવમાં એજયુ. મેડિ. ટ્રસ્ટના ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયાએ કહ્યું હતું કે, અમારાથી થયું એ કર્યું, હવે સૌએ સંસ્થાઓને સંભાળી લેવાની છે. ડિસેમ્બર 2023માં સરદાર પટેલ વિદ્યા સંકુલ રજત જયંતી મહોત્સવનું આમંત્રણ આપતાં સમાજના વિકાસમાં પાયાથી અત્યાર સુધી સાથ આપનાર દાતાઓના સમર્પણને યાદ કર્યું હતું. મૂળ કુંદનપરના દક્ષા હાલાઈએ કહ્યું, અહીં આવેલી દીકરીઓને શરૂઆતમાં ઘણા પ્રશ્નો હોય છે, એમાં સામાજિક હૂંફની જરૂર રહે છે. ભારતી જેસાણી (નારાણપર)એ શબ્દ સંકલન કર્યું હતું. વીનેશ વરસાણી -સુખપર, મહેશ વેકરિયા - કુંદનપર, જયેશ કે. -સુખપર રોહા, પુષ્પા હીરાણી- માધાપર, અવની હીરાણી - મેઘપર, દક્ષા ગામી -સામત્રાએ સંસ્મરણોને શબ્દો આપતાં જાણે માતૃસંસ્થારૂપી દરિયો નદીને મળવા આવ્યો હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ ભલામણ કરતાં કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે હંમેશાં પોતાની માતૃસંસ્થા અગ્રસ્થાને હોવી જોઈએ, સંસ્થા જ મહાન છે, વ્યક્તિઓ તો આવશે અને જશે. કર્મચારીઓ કે ટ્રસ્ટીઓ બદલાયા કરશે. સંસ્થામાં વ્યક્તિપ્રધાનપણું નાબૂદ કરી માત્ર ને માત્ર સંસ્થાને પ્રેમ કરજો એવું કહેતાં એમણે હસુભાઈ ભુડિયાના પ્રદાનને વધાવ્યું હતું. જાણીતા કચ્છી દાનવીર સામજીભાઈ શિવજી દબાસિયાએ લંડન આવેલા ભુજ સમાજના વિદ્યાર્થીઓને ધંધા-રોજગાર માટે માર્ગદર્શન અને સહાય કરવા સંગઠનની હિમાયત કરી આગેવાની લેવા તૈયારી બતાવી હતી. યુ.કે. કોમ્યુનિટીના અધ્યક્ષ માવજીભાઈ વેકરિયાએ સૌને યુ.કે. સમાજ સાથે જોડાવવા અપીલ કરી હતી અને દુ:ખ - સુખના સમયે સાથ આપવા ખાતરી આપી હતી.  એસ.એસ.એમ.બી. સંસ્થાના સ્થાનિક ડાયરેક્ટર કે.કે. જેસાણી , ભુજ સમાજમાં દાતા ટ્રસ્ટી દેવશીભાઇ હાલાઈ, કલ્યાણભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang